ઠગાઈનો નવો કીમિયો ફરી સુરતમાં જોવા મળ્યો છે. સુરતમાં અનેક સ્થળે આવેલી દુકાનો અને OLX પરથી ઇલેક્ટ્રોનિક્સ ખરીદીને રૂપિયા નહીં ચૂકવનાર અભિષેક ઉર્ફે રોહન ખન્ના સુરેશકુમાર નંદવાણીને સુરત સાઇબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે. અભિષેક ઉર્ફે રોહનના ઘરમાંથી સાઇબર ક્રાઇમે ત્રણ એસી, ત્રણ ટીવી, એક વોશિંગ મશીન, એક ઘરઘંટી, એક ઘડિયાળ, એક મોબાઇલ ફોન મળીને કુલ 2.39 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આરોપી અભિષેક કોઈ પણ દુકાન પર જઈને ત્યાંથી ઇલેક્ટ્રોનિક્સની વસ્તુઓ ખરીદે છે. ત્યાંજ મોબાઇલ ફોનથી પેમેન્ટ ઓનલાઇન ટ્રાન્સફર કર્યો હોવાનું કહે છે. મોબાઇલ પર જ પેમેન્ટ ઓનલાઇન ટ્રાન્સફરની બોગસ રસીદ બતાવતો હતો. ખરેખર પેમેન્ટ ટ્રાન્સફર થયું હોતું નથી. આવી રીતે અભિષેકે ઘણા દુકાનદારો સાથે ઠગાઈ કરી છે. જેમાં અશોક નાનજી માંગુકિયા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો વેપાર કરે છે.
ત્યાંથી અભિષેકે નવેમ્બર-2018માં 60 હજારની બે ટીવી ખરીદી રૂપિયા ચૂકવ્યા ન હતા. કતાર ગામમાં પાટીદાર સમાજની વાડી પાસે ક્રિષ્ણા સેલ્સ એન્ડ સર્વિસના નામે દુકાન ધરાવતા મયુર વાઘાણી પાસેથી અભિષેકે ઘરઘંટી, ફોન, બે એસી,એક વોશિંગ મશીન અને ટીવી મળીને 1.31 લાખનો સામાન ખરીદી રૂપિયા નહીં ચૂકવી છેતરપિંડી કરી છે.