- કીમ ખાડીનું પાણી કીમ નદીમાં જતું બ્લોક કરી દેવા ખાડી ઉભરાતા ખેતરોમાં પાણી ઘૂસી ગયા
- શિયાળામાં ભર ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું
- કીમ નદી નજીક આવેલા 10 જેટલા ખેતરમાં પાણી ભરાયા
સુરત: અમદાવાદથી મુંબઈ વચ્ચે ફ્રેટ કોરિડોરની કામગીરી પૂર-જોશમાં ચાલી રહી છે. આ ફ્રેટ કોરિડોરને લઇ ટ્રાન્સપોર્ટેશન સરળ થઇ જશે, પરંતુ આ ફ્રેટ કોરિડોરની કામગીરી ગત ઘણા સમયથી કેટલાક લોકો માટે માથાના દુખાવા સમાન સાબિત થઇ રહી છે. કીમ રેલવેની બાજુમાં નિર્માણ પામી રહેલા રેલવે ફ્રેટ કોરિડોરથી કીમ નદીની આસપાસના ગામો મુશ્કેલીમાં મુકાયા છે. કીમ નદીની આસપાસના સીયાલજ ગામના ખેડૂતોની ફ્રેટ કોરિડોરને કારણે હાલત કફોડી બની છે. આ ઉપરાંત નવાપુરા, મોટાબોરસરા, પાલોદ, પીપોદરા સહિત ઐદ્યોગિક એકમોના ગંદા અને કેમિકલ યુક્ત પાણી ખાડીમાં થઇને કીમ નદીમાં જાય છે, પરંતુ હાલ કીમ નદી પર ફ્રેટ કોરિડોરના બ્રિજનું કામ ચાલી રહ્યું છે. જેથી કોન્ટ્રાક્ટર દ્વારા ખાડી માટી નાખીને પુરાણ કરી દેતા ખાડી ઉભરાઈ છે. જેથી આ કેમિકલ યુક્ત ગંદુ પાણી ખાડી કિનારે આવેલા 10 જેટલા ખેતરોમાં ફરી વળ્યા છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઇ રહ્યું છે. આ સાથે જ સિયાલજ ગામથી પસાર થઇ રહેલા લો-લેવલ બ્રિજ ઉપર પણ પાણી ફળી વળ્યાં હતા.
મામલતદારથી લઈ કલેકટર સુધી રજૂઆત કરી
મામલતદારથી લઈ કલેક્ટર સુધી ફરિયાદ કરી છે. રેલવે સત્તાધીશો, કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી થવી જોઈએ એવી ખેડૂતોની માંગ છે.