સુરત: રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા વરાછા ગરનાળાની ભારે વજનવાહક લોખંડનો ગડર તૂટી પડતાં નાસભાગ મચી ગઇ હતી. વર્ષો જૂની લોખંડની ગડર મોચીકામ કરતા યુવકના પગ પર તૂટી પડતા તેને 108ની મદદથી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં સુરત ફાયર, રેલવે આરપીએફના જવાનો સહિત મહિધરપુરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે વરાછા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા રેલવે ગરનાળામાંથી ભારે ફોર વ્હીલ આઇસર ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન ટેમ્પોનો ઉપરનો ભાગ લોખંડના ગડરને અડી જતા આ ઘટના બની હતી. જે ઘટનામાં મોપેડ સવાર બે લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ અંગે યુવકોએ રેલવે વિભાગની બેદરકારીના આક્ષેપ કર્યા છે. જ્યારે ફાયર વિભાગ દ્વારા ગરનાળામાંથી ગડરને ક્રેનની મદદથી ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.