આ વર્ષે સુરતમાં 75 ટકા લોકોએ માટીની પ્રતિમાની સ્થાપના કરી છે. POPની પ્રતિમાથી પર્યાવરણને નુકસાન થતું હોવાથી ભક્તો માટી પ્રતિમા ખરીદી રહ્યાં છે. ચતુર્થી નજીક આવી રહી છે તેમ-તેમ ગણપતિની પ્રતિમાનું વેચાણ વધી રહ્યું છે. જેથી ગણેશજીની પ્રતિમાને આખરી ઓપ આપતાં જોવા મળી રહ્યાં છે.
મૂર્તિકારોના જણાવ્યાનુસાર, ચાલુ વર્ષે 75 ટકા ગણેશ મંડળો માટીની પ્રતિમા તરફ વળ્યા છે. POPની પ્રતિમાને કારણે પર્યાવરણ અને દરિયાઈ જીવોને થતાં નુકસાનને લઈ લોકો જાગૃત થયા છે. એટલે આ વર્ષે POPના બદલે માટીની પ્રતિમાની માગમાં વધારો થયો છે. આ સિવાય પણ કેટલીક સંસ્થાઓ છે, જેણે એકસાથે 700 જેટલી નાની માટીની શ્રીજીની પ્રતિમાના ઓર્ડર આપ્યા હતા. આ પ્રતિમાઓની ખાસિયત એ છે કે, તેમાં એક બીજ નાખવામાં આવ્યું છે. જે બીજ પ્રતિમાના વિસર્જન બાદ છોડ રૂપે ઊગી નીકળશે.
આમ, ગણેશ ચતુર્થીમાં પર્યાવરણને જાગૃતિનો રંગ ભળતા તેનો અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તો પણ આ નવી પહેલને બંને હાથે વધાવીને બપ્પાના આગમનની આતુરતાંથી રાહ જોઈ રહ્યાં છે.