નવા ટ્રાફિક નિયમનનો કાયદો આવ્યાને દોઢ મહિનો થઇ ગયો છે. ગુજરાતમાં કાયદામાં ફેરફાર કરી નવા કાયદાના અમલીકરણને આશરે 17 દિવસ થઈ ગયા છે. દોઢ મહિનામાં જ્યાં સુરત પોલીસે કરોડો રૂપિયાનો દંડ વસુલ કર્યો છે. ત્યારે બીજી બાજુ ટ્રાફિક પોલીસ દ્વારા તેમની ફરજમાં અડચણ ઉત્પન્ન કરનાર અને ઘર્ષણની સ્થિતિ ઉભી કરનાર વાહનચાલકો વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ રાજ્યમાં સૌથી વધુ વાહનચાલકો વિરૂદ્ધ ફરિયાદ સુરતમાં નોંધવામાં આવી છે. ગત દોઢ મહિનામાં પોલીસે 11 ફરિયાદ વાહનચાલકો વિરૂદ્ધ નોંધાવી છે કે જેઓ દંડ ન ભરવા માટે પોલીસ સાથે ઘર્ષણમાં આવ્યા હતા.તેમજ ફરજમાં અવરોધ ઉત્પન્ન કરી રહ્યા હતા.
ટ્રાફિકના નવા નિયમન કાયદા પછી શહેરમાં ટ્રાફિક પોલીસે એન્ફોર્સમેન્ટની કામગીરી વધુ જોરમાં હાથ ધરી છે. જેના કારણે શહેરના રોડ પર જાણે કોઈ યુદ્ધની સ્થિતિ સર્જાઈ હોય એવા કેટલાક વીડિયો પણ સામે આવી ચુક્યા છે. જેમાં વાહન ચાલકો ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણ કરતા જોવા મળે છે. વાહન ચાલકો પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી પણ કરે છે. આ બાબતે સુરત ટ્રાફિક પોલીસના DCP પ્રશાંત સુમ્બેએ જણાવ્યુ હતુ કે, વાહન ચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાય હોવાના બે ત્રણ મુખ્ય કારણો છે. જેમાં હાલ કાયદા પ્રમાણે ચલણની રકમ વધી ગઈ છે. જેને લોકો આપવા નથી માગતા. ત્યારે બીજી બાજુ પ્રજાને લાગે છે કે તેમણે જ ટ્રાફિક પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. અન્ય વાહનચાલકોને ટ્રાફિક પોલીસ જવા દે છે. આવી ઘર્ષણની સ્થિતિમાં વાહન ચાલકો મોબાઇલ ક્લીપ બનાવવા લાગે છે.
સુરતમાં છેલ્લા દોઢ મહિનામાં 11 એવા બનાવો પોલીસના ચોપડે નોંધાયા છે. જેમાં વાહન ચાલકો પોલીસ સાથે ઘર્ષણ કરી તેમની ફરજમાં અવરોધ લાવે છે. જો વાહન ચાલકોને નવા ટ્રાફિક નિયમન કાયદાની ટેવ ન પડે તો આવનાર દિવસોમાં પણ આવી ઘર્ષણની સ્થિતિ સર્જાશે અને પોલીસ તેમના વિરુદ્ધ પણ કાયદેસર પગલાં ભરશે.