જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ધવલ પટેલે જણાવ્યું હતું કે, મતદાર યાદીમાં 18 વર્ષ પૂરાં કરનારા તમામ યુવાનોનાં નામ નોંધાય અને તેઓ બંધારણીય મતાધિકાર મેળવી શકે તે માટે શહેર-જિલ્લામાં વર્ષ દરમિયાન અનેક પ્રયાસો કરવામાં આવે છે. પરિણામે 31 જાન્યુઆરી પછી સુરત જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઝુંબેશ ચલાવી મતદારયાદીમાં એક લાખ નવા મતદારો ઉમેરાયા છે.
પ્રથમવાર મતદાન કરનારા યુવાનોમાં પણ એક ઉત્સાહનો માહોલ છે. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં તેઓ પ્રથમવાર મતદાન કરવાના હોવાથી દેશના વિકાસમાં પોતાનું પણ યોગદાન રહેશે એ પ્રકારના આશાવાદ સાથે નવયુવાનો ઉત્સાહિત છે. તમામ લાયક નાગરિકોને તેમનો મતાધિકાર મળી રહે તે માટે મતદાર યાદીમાં નામ નોંધાયેલું હોય તે અત્યંત આવશ્યક હોવાથી 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનોએ મતદારયાદીમાં સત્વરે નામ નોંધાવી લેવાની અપીલ કરી હતી.
શિક્ષણવિદ્દ, મોટીવેટર, લેખક અને CA રવિ છાવછરીયાએ યુવાનોને પારસમણિ સાથે સરખાવ્યા હતા. જેમ પારસમણિ લોખંડને સ્પર્શીને સોનુ બનાવી દે છે, તે જ રીતે યુવાનોમાં પારસમણિની જેમ કથીરને કંચનમાં પરિવર્તિત કરવાની ક્ષમતા છે. તેથી યુવાનો દેશ પ્રત્યેની જવાબદારી સમજી પોતાના મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરે.
'યુવાસ’ સંસ્થાના યુવા વિદ્યાર્થીઓએ નુક્કડ નાટક ભજવી તેમજ ગીત-સંગીતના માધ્યમથી મતદાનનું મહત્વ સમજાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવાના સામૂહિક શપથ લીધા હતા.