સુરત : લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મંગળવારના રોજ લિજેન્ડ્સ ક્રિકેટ લીગની પ્રથમ કવોલિફાય૨ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચ નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉમટી પડ્યા હતા. જે પૈકી એક યુવક સુરેશ રૈના સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં ગ્રાઉન્ડ સુધી પહોંચી ગયો હતો. જોકે એક બાઉન્સરે યુવકને બહાર કાઢવા સાથે તમાચો ઝીંકી દેતા માહોલમાં ગરમાવો આવી ગયો હતો. જોકે ફરી એકવાર આવો બનાવ બનતા સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે.
લિજેન્ડ્સ લીગની મેચમાં અમદાવાદવાળી થઈ : સુરતના લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લિજેન્ડ્સ ક્રિકેટ લીગની પ્રથમ કવોલિફાય૨ મેચ અર્બનરાઇઝર્સ હૈદરાબાદ અને મનિપાલ ટાઇગર વચ્ચે રમાઈ હતી. આ મેચ દરમિયાન એક યુવક હૈદરાબાદના કેપ્ટન સુરેશ રૈના સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં ગ્રાઉન્ડની અંદર પહોંચી ગયો હતો. અત્યંત નબળી સુરક્ષાને પગલે યુવાન ક્રિકેટરો સુધી પહોંચી જતા સિક્યુરિટી જવાનો દોડતા થઈ ગયા હતા.
બાઉન્સરે યુવકને તમાચો માર્યો : જોકે મેદાન પર પહોંચેલા યુવાનને બાઉન્સરે બહાર ખેંચીને લઈ ગયા હતા. ઉપરાંત આ દરમિયાન એક બાઉન્સરે યુવકને તમાચો મારી દીધો હતો. જેના પગલે ક્રિકેટપ્રેમીઓમાં ઉશ્કેરાટ જોવા મળ્યો હતો. સાથે જ સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમ દિવસની મેચમાં 15 હજારની કેપેસીટીની સામે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં લગભગ 3 હજાર જેટલા લોકોએ હાજરી આપી હતી. આથી મોટાભાગનું સ્ટેડિયમ ખાલી રહ્યું હતું.
લિજેન્ડ્સ ક્રિકેટ લીગ : સંદત૨ ખાનગી ધોરણે રમાડવામાં આવતી લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં ક્વોલિફાયર અને ફાઇનલની અંતિમ મેચ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રમાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની પ્રથમ ક્વોલિફાયર મેચમાં અર્બનરાઇઝર્સ હૈદરાબાદ અને મનીપુર ટાઇગર વચ્ચે મેચ રમાડવામાં આવી હતી. જેમાં પ્રથમ બેટિંગ કરતાં હૈદરાબાદની ટીમમાં ડૈન સ્મીથની 53 બોલમાં 120 રનની તોફાની ઈનિંગના સહારે 20 ઓવરમાં 253 રનનો સ્કોર બનાવ્યો હતો. જેની સામે મનીપુરની ટીમ 16.3 ઓવરમાં 178 રનમાં ઓલઆઉટ થઈ જતા હૈદરાબાદની ટીમ 75 રને વિજેતા બની હતી.