- સુરતમાં વોન્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડિયા પકડાતા સુરત LCBને મળી સફળતા
- બીજી પત્નીને મળવા જતા આ બુટલેગરને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો
- ઓલપાડ તાલુકાના અટોદરા ગામે આવેલી એક સોસાયટીમાંથી પકડાયો બુટલેગર
- પોલીસે બુટલેગર પાસેથી લોડેડ પિસ્તોલ અને સ્ટાટર ગન કબજે કરી
બારડોલી: એલસીબી પોલીસને ઘણા સમય બાદ મોટી સફળતા મળી છે. છેલ્લા ઘણા લાંબા સમયથી સમગ્ર રેન્જની પોલીસને પરસેવો છોડાવતો બુટલેગર ઝડપાયો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે ભૂરી ફળિયામાં રહેતા ઈશ્વર રમેશ વાંસફોડિયાની ધરપકડ કરી છે.
ઈશ્વર વાંસફોડિયા હત્યાના પ્રયાસ, મારામારી, વિદેશી દારૂ સહિતના અનેક ગુનાઓમાં વોન્ટેડ હતો. આ ઉપરાંત તેના વિરૂદ્ધ અગાઉ 32 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. સુરત શહેર, વલસાડ જિલ્લા અને સુરત ગ્રામ્ય જિલ્લામાં પણ અનેક ગુનામાં વોન્ટેડ છે.
બીજી પત્નીને મળવા જાય તે પહેલા જ દબોચી લીધો
એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, તે ઓલપાડ તાલુકાના અટોદરા ગામમાં આવેલી સ્વર્ગ રેસિડન્સીમાં તેની બીજી પત્નીને મળવા આવવાનો છે. આ બાતમીના આધારે એક આઈટેન કારમાંથી તેને દબોચી લીધો હતો. તેની પાસેથી એક સ્ટાટર ગન ઉપરાંત એક લોડેડ પિસ્તોલ, ત્રણ જીવતા કારતૂસ કબજે કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ઈશ્વર વાંસફોડિયા ઘણા લાંબા સમયથી વિદેશી દારૂના ગુનામાં વોન્ટેડ હતો. આ અગાઉ અનેકવાર સુરત શહેર અને જિલ્લામાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. માથાભારે ઈશ્વર વાંસફોડીયાએ અનેક વાર સ્થાનિકો સાથે પણ મારામારી તેમ જ અન્ય માથાકૂટ કરી હોવાના કિસ્સા નોંધાયા છે. અગાઉ વિદેશી દારૂના ધંધાની હરિફાઈમાં પણ તેણે હથિયારના જોરે પોલીસ ઉપર હુમલો કર્યાની ઘટના પણ નોંધાઈ છે.
વાંસફોડીયાને પકડવા તેના ઘરે પોલીસ પણ મૂકાઈ હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર, કડોદરા પોલીસે કેટલાક દિવસથી ઈશ્વર વાંસફોડિયાની ધરપકડ માટે ઝૂંબેશ ચલાવી હતી. ભૂરી ફળિયામાં ઈશ્વર વાંસફોડિયાના ઘર નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ ઉપરાંત તેના અનેક વાહનો પોલીસે કબજે લીધા હતા. ત્યારબાદ દબાણ વધતાં જ એલસીબી પોલીસ પણ સક્રિય થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.