સુરત : 25 એપ્રિલ 2023ના રોજ ભગવાન શિવના કેદારનાથ જ્યોતિર્લિંગના કપાટ ભાવિ ભક્તો માટે ખુલી જશે. જેની રાહ શિવ ભક્તો ખૂબ જ ઉત્સુકતાથી જોતા હોય છે. ત્યારે બીજી બાજુ સુરતના ધોરણ 12ના શિવભક્ત વિદ્યાર્થી કપાટ ખુલતાની સાથે પ્રથમ દર્શન કરવા માટે સુરતથી સાયકલ લઈને બાબા કેદારનાથના દર્શન કરવા માટે નીકળી ગયો છે.
શું છે સમગ્ર વાત : એપ્રિલ મહિનામાં સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ભીષણ ગરમી હોય છે. લોકો ઘરેથી નીકળવાનું ટાળી રહ્યા હોય છે. ત્યારે સુરતના એક શિવભક્ત બાબા કેદારનાથના દર્શન કરવા માટે આટલી ભીષણ ગરમીમાં સાયકલ લઈને નીકળી ગયો છે. સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતા 19 વર્ષીય રોહિત ઝા પોતાની સાયકલ લઈને સુરતથી બાબા કેદારનાથનો સફર કરવા નીકળી ગયો છે.
આ પણ વાંચો : Kedarnath Dham: કેદારનાથ યાત્રામાં યાત્રાળુઓને થશે એડવેન્ચરનો અહેસાસ, જુઓ વીડિયો
ભીષણ ગરમીમાં અડીખમ : રોહિત ઝા અને તેના પરિવાર મૂળ બિહારના છે. હાલ સુરત રહી રહ્યા છે. આજે રોહિતે ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપી છે અને પરીક્ષા આપ્યા બાદ તે પોતાની સાયકલ લઈને બાબા કેદારનાથના દર્શન કરવા માટે નીકળી ગયો છે. રોહિત આટલી ગરમીમાં દરરોજ 100 કિલોમીટરનું અંતર કાપી રહ્યો છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો, હાલ 38થી લઈ 40 ડિગ્રી સુધી તાપમાન છે, ત્યારે આટલી ભીષણ ગરમીમાં પણ બાબા કેદારનાથના દર્શન પ્રથમ દિવસે કરવા માટે નીકળી ગયો છે.
આ પણ વાંચો : Kedarnath Dham: 10 ફીટ મોટી ગ્લેશિયરનો હટાવી, 7 KM મુસાફરીનો માર્ગ કરાયો તૈયાર
સાઇકલ ચલાવવાની પ્રેક્ટિસ : રોહિતના જણાવ્યા મુજબ તે 15થી 16 દિવસમાં કેદારનાથ પહોંચી જશે. 25મી એપ્રિલના રોજ જ્યારે બાબા કેદારનાથના કપાટ ખુલશે, ત્યારે તે પહેલા દર્શન કરશે. આની પહેલા તે સુરતથી મુંબઈ સાયકલ પર ગયો હતો. હાલ તે રાજસ્થાન પહોંચી ગયો છે તેને વધુમાં જણાવ્યું હતું કે, તે કેદારનાથ દર્શન કરવા માટે ખૂબ પહેલાથી જ ઉત્સુક હતો. બે વર્ષ પહેલાથી જ તેની ઈચ્છા હતી કે, તે બાબા કેદારનાથના દર્શન કરે. પરંતુ ત્યારે તેણે વિચાર્યું ન હતું કે તે સાયકલથી દર્શન કરવા માટે નીકળશે. અચાનક જ મૂડ બન્યો કે નવી સાયકલથી દર્શન કરવા માટે જવું છે. આ માટે દોઢ વર્ષ સુધી પ્રેક્ટિસ કરી રોજે 50 કિલોમીટર સાયકલ ચલાવતો હતો. ત્યારે લાગ્યું કે હવે આ યાત્રા કરવા માટે તૈયાર છું. મારી ધોરણ 12ની પરીક્ષા પણ પૂર્ણ થઈ ગઈ હતી અને વિચાર આવ્યો કે હવે જવું જ છે.