સુરત : ધોરણ 12 સાયન્સની પરીક્ષા બાદ મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવનાર વિદ્યાર્થીઓ દ્વારા નીટની પરીક્ષા આપવામાં આવી હતી. ત્યાર પછી મેડિકલ કોલેજમાં પ્રવેશ આપતી કમિટી દ્વારા વર્ષ 2023-24 માટેનું મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકાની વિદ્યાર્થીનીએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો હતો. આ દીકરીએ સમગ્ર ગુજરાતમાં કોલેજના મેરીટ લીસ્ટમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી કામરેજ અને જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.
રાજ્યમાં પ્રથમ : ધોરણ 12 સાયન્સ અને NEET પરીક્ષા પાસ કર્યા બાદ મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓના ફોર્મ ભરવામાં આવ્યા હતા. ત્યારબાદ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સિસ (ACPUGMEC) ગાંધીનગર દ્વારા મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથીક, આયુર્વેદિકમાં પ્રવેશ માટે વર્ષ 2023-24 અને નીટ યુજી 2023 ના આધારે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં સુરત જિલ્લાની વિદ્યાર્થિનીએ ડંકો વગાડ્યો છે. ઉપરાંત કામરેજ સહિત સુરત જિલ્લાનું નામ રોશન કરી દીધું છે.
મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું તેમાં અમારી શાળાની વિદ્યાર્થીની સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. એ વાતની એમને ખુશી છે. અમારી શાળાની વિદ્યાર્થિનીને ફક્ત શાળાનું નહિ પણ આખા સુરત જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અમે વિદ્યાર્થીઓને આયોજન સાથે તૈયારી કરાવીએ છીએ. જેથી બાળકો તેમના સપના પુરા કરી શકે.-- મેહુલ વાડોદરિયા (આચાર્ય, વશિષ્ઠ વિદ્યાલય)
યશ્વીની સિદ્ધિ : સુરત જિલ્લા કામરેજ તાલુકાના વાવ ખાતે આવેલી શ્રી વશિષ્ઠ વિદ્યાલયની વિદ્યાર્થિની યશ્વીકુમારી રસિક ચૌધરીએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ ભવ્ય સિદ્ધિથી આ વિદ્યાર્થિનીએ સમગ્ર કામરેજ અને સુરત જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું. યશ્વીએ NEET ના સ્કોરમાં 700 માંથી 599 માર્ક પ્રાપ્ત કર્યા હતાં. તેમજ NEET માં 98.54% મેળવ્યા હતાં. તેમનું જનરલ મેરીટ 01168 છે. તેમજ AIR 29461 છે. યશ્વીએ આ સિદ્ધિ પાછળ શાળા દ્વારા આપવામાં આવતું સચોટ માર્ગદર્શન, હૂંફ, ઉત્તમ શિક્ષણ, આયોજનબદ્ધ તૈયારી, અર્થપૂર્ણ પુનરાવર્તન અને ઉત્તમોત્તમ પરીક્ષાઓના આયોજનને શ્રેય આપ્યો છે.
સુરતનું ગૌરવ : સામાન્ય પરિવારમાંથી આવતી આ વિદ્યાર્થિનીએ પોતાની અથાગ મહેનત વડે સફળતા પ્રાપ્ત કરી હતી. વિદ્યાર્થીનીએ સમગ્ર ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે સુરતનું નામ રોશન કર્યું છે. ઉપરાંત કામરેજ અને સુરત જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ સાથે તેણે પોતાની શાળાનું નામ પણ રોશન કર્યું છે. જેથી શાળા દ્વારા યશ્વીને અને તેમનાં માતા- પિતાને આ સિદ્ધિ બદલ સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી.