સુરત: બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરનાર છ બાંગ્લાદેશીઓ અને એક એજન્ટ સહિત સાત લોકોને સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડ્યા છે. આ તમામ આરોપીઓ પાસેથી પોલીસે બનાવટી આધારકાર્ડ, જન્મ દાખલો અને પાનકાર્ડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી: સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા પોલીસને સુરત શહેરમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે ખાસ સુચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અલગ અલગ ટીમ બનાવી હ્યુમન્સ સોર્સ તેમજ ટેકનીકલ સર્વલેન્સના આધારે એક એજન્ટ અને છ બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે. આ તમામ બાંગ્લાદેશીઓને સતઝીરા બોર્ડરથી ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરાવી દેહ વિક્રયના વ્યવસાયમાં સંકળાયેલા વ્યક્તિ સાથે સંપર્ક કરાવવામાં આવતો હતો.
'તમામ બાંગ્લાદેશીઓ છેલ્લા બે વર્ષથી સુરતના અલગ અલગ વિસ્તારમાં રહેતા હતા અને સ્પાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. આરોપીઓ પાસેથી બોગસ ડોક્યુમેન્ટ બનાવીને આ લોકોએ ભારતીય નાગરિકતા મેળવી લીધી હતી અને તેના આધારે રોજગાર મેળવતા હતા. આરોપીઓ પૈકી એક ઈબ્રાહીમ ઉર્ફે રાજ શેખ બાંગ્લાદેશીઓને બોર્ડર ક્રોસ કરાવી પ્રતિ વ્યક્તિ 90,000 લેતો હતો. એટલું જ નહીં એક આરોપી વોન્ટેડ છે જે અમદાવાદમાં રહે છે. આ તમામ આરોપીઓને આધાર કાર્ડ તેમજ અન્ય ભારતીય બોગસ ડોક્યુમેન્ટ બનાવીને આપતો હતો.' - અજય તોમર, પોલીસ કમિશ્નર
પ. બંગાળના બનગાંવથી ગેરકાયદે પ્રવેશ: તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેઓ સુરત ખાતે મહિલાઓ પાસે ધંધો કરાવતા હતા. આરોપીઓ બાંગ્લાદેશના આર્થિક રીતે પછાત પરિવારની મહિલાઓ તેમજ પુરુષોને વધારે પગાર આપવાની લાલચ આપી ભારત બોલાવતા હતા. બાંગ્લાદેશના સારા જિલ્લાથી બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડરથી તેઓ ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના બનગાંવથી ગેરકાયદે રીતે પ્રવેશ કરાવતા હતા. ત્યારબાદ ટ્રેન અથવા તો પ્લેન મારફતે સુરત લઈને આવતા હતા.
મહિલાઓ પાસે થતી આવકમાંથી કમિશન: સુરત શહેર અને જિલ્લામાં આ વ્યાપારના ધંધા સાથે જોડાયેલા શખ્સોનો સંપર્ક કરતો હતો. ત્યારબાદ આ મહિલાઓ પાસે જ દેહવ્યાપારનો ધંધો કરાવતો હતો. ત્યારબાદ મહિલાઓ પાસેથી થતી આવકમાંથી તે પોતાનું કમિશન લેતો હતો. 31 વર્ષીય તરકુલ મંડલ, 32 વર્ષીય બોબી મંડળ, 20 વર્ષીય માફિઝરહેમાન, 18 વર્ષીય સુમોના શેખ, 42 વર્ષીય મોહમ્મદ ફઝલર, 21 વર્ષીય શરીફા ખાતુન ધરપકડ કરી છે. સાથે ઇબ્રાહીમ ઉર્ફે રાજ શેખ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે કે જે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓને ભારત લાવી તેમના ખોટા પુરાવા બનાવતો હતો.