બારડોલી : પલસાણા તાલુકાનાં જોળવા ગામની શિવાલક રેસિડેન્સીમાંથી સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગૃપે ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યાં છે. ટીમે આ બંને શખ્સો પાસેથી 1.830 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, જેની કિમત 18 હજાર 300 રૂપિયાની આસપાસ થાય છે. સુરત જિલ્લા એસઓજીની ટીમ ચોક્કસ દિશામાં વર્ક આઉટ કરી રહી હતી તે સમયે બાતમી મળી હતી, જેના પગલે સુરત જિલ્લા SOGની ટીમે પલસાણા તાલુકાના જોળવા ગામની સીમમાં આવેલી આરાધના ઈન્ડસ્ટ્રીઝ વિભાગ 1 પાસે આવેલી શિવાલક રેસિડેન્સી બિલ્ડીંગના બીજા માળે ફ્લેટ નંબર 204માં દરોડો પાડ્યો હતો જેમાં બે ઇસમો ગાંજા સાથે આબાદ ઝડપાઈ ગયાં હતાં.
કોણ છે નશાના સોદાગરો: સુરત જિલ્લા SOGની ટીમે મુળ બિહારના અને હાલમાં કડોદરા અને જોળવામાં રહેતા મલ્લુ હરીનંદન ચૌધરી તેમજ અનુરાગ જીતેન્દ્ર નટને ઝડપી પાડ્યાં છે. પોલીસે તેમની પાસેથી 1.830 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, બે મોબાઇલ ફોન અને 3020 રોકડ મળીને કુલ 41 હજાર 320 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો.
ગાંજાનું કરતાં હતાં છૂટક વેચાણ: પોલીસની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, ઠાકુર નામનો વ્યક્તિ મલ્લું અને અનુરાગને કડોદરા કૃષ્ણાનગર નહેર પાસે ગાંજાનું વેચાણ કરવા માટે મોકલતો હતો. બંને આરોપીઓ ગાંજાનું છૂટક વેચાણ કરતાં હતા. મલ્લુને ત્રણ માસ પહેલા પણ એસઓજીએ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો અને તે નવરાત્રિમાં જ જેલમાંથી છૂટીને બહાર આવ્યો હતો. પોલીસે આ ગુનામાં ઠાકુર અને ગોપાલ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.