સુરત : દેશભરમાં આગામી 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી થશે. દર વર્ષે શિક્ષક દિવસ નિમિત્તે દેશભરમાંથી શ્રેષ્ઠ શિક્ષકો અને આચાર્યોને રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે. ત્યારે આ વખતે સુરતમાં શિક્ષક દિવસની ઉજવણી ગૌરવભરી સાબિત થશે. કારણ કે, આ રાષ્ટ્રીય પુરસ્કારમાં સુરતની શાળાના આચાર્ય ડો. રીટા ફૂલવાલાની પણ પસંદગી કરવામાં આવી છે. તેમનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે સન્માન કરાશે.
સુરતનું ગૌરવ : આ સન્માન માટે પહેલા સુરત કક્ષાએ અને પછી રાજ્યકક્ષાએ 96 શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ માટે 6 શિક્ષકોની દાવેદારી નિર્ધારિત થયા બાદ રાજ્યમાંથી 2 શિક્ષકોની પસંદગી કરી છે. આ પહેલા 2014 માં હાઇસ્કૂલ વિભાગમાં સુરતના શિક્ષકને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. એટલે કે, 9 વર્ષ બાદ ફરી સુરતના શિક્ષકને રાષ્ટ્રીય પુરસ્કાર મળવા જઈ રહ્યો છે. જે સુરતના શિક્ષણ જગત માટે ગૌરવની વાત છે.
ડો. રીટાબેન ફૂલવાલા : આ બાબતે પ્રાણલાલ હરિલાલ બચકાનીવાલા વિદ્યાલયના આચાર્ય ડો. રીટાબેન ફૂલવાલાએ પોતાનો અનુભવ વર્ણવ્યો હતો. તેઓએ જણાવ્યું કે, મારા શૈક્ષણિક જગતના 33 વર્ષના સફર બાદ એક સપનું સાકાર થયું છે. જ્યારે હું આગામી ઓક્ટોબર મહિનામાં નિવૃત્ત થવાની છું, ત્યારે 33 વર્ષનું આ એક સપનું અને જિંદગીનું આ છેલ્લું એક સપનું હતું. તેમાં જ્યારે રાષ્ટ્રપતિ પુરસ્કાર માટે આપણી પસંદગી થાય ત્યારે સ્વભાવિક વાત છે કે આનંદની કોઈ સીમા જ નથી. પુરસ્કાર માટે હું વ્યક્તિગત ક્રેડિટ નથી લેતી કારણ કે, આ પુરસ્કાર મારા શાળા-વ્યક્તિગત પરિવાર અને સૌ શિક્ષકોને જઈ રહ્યું છે. જે થકી મને કંઈક કરવાની પ્રેરણા મળી છે.
મને 2013 માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેઓ તે સમય દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી હતા. તેઓના હસ્તે તથા તે સમયના રાજ્યપાલ ડો. કમલાબેન બેનીવાલના હસ્તે શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ મળ્યો હતો. એ સિવાય મને ઘણી બધી એનજીઓ દ્વારા એવોર્ડ અને પુરસ્કાર મળ્યા છે. શિક્ષણ જગતમાં કરેલા કાર્યોને લઈને મને સતત એવોર્ડ અને પુરસ્કાર મળતા રહ્યા છે.-- ડો.રીટાબેન ફૂલવાલા (આચાર્ય, પ્રાણલાલ હરિલાલ બચકાનીવાલા વિધાલય)
શ્રેષ્ઠ સુવિધાઓ : તેઓએ વધુમાં જણાવ્યું કે, અમારી શાળા શહેરના ઉધના વિસ્તારમાં આવેલી છે. જ્યાં ચારેય તરફ ઔદ્યોગિક વસાહતો આવેલ છે. અહીં મીની ભારત છે. એવા પરપ્રાંતિય લોકોથી ઘેરાયલા વિસ્તારમાં આ સ્કૂલ છે. જ્યારે મારા શિક્ષક જીવનની શરૂઆત કરી ત્યારે પણ આ પ્રકારના બાળકો શાળામાં આવતા હતા. આજે પણ તે પ્રકારના બાળકો અહીં આવે છે. આ બાળકોને એવી અનુભૂતિ ન થાય કે મારા શાળામાં કોઈ પ્રકારની વ્યવસ્થા નથી. એટલે મારા શાળાના સંચાલક મંડળ દ્વારા તમામ પ્રકારની પોઝિટિવ વ્યવસ્થા કરવામાં આવી છે. જે પ્રકારની સગવડો ખાનગી શાળામાં હોય છે, તે તમામ પ્રકારની સગવડ મારી શાળામાં છે. તે ઉપરાંત શાળાના શિક્ષકો પણ વિદ્યાર્થીઓ પાછળ ખૂબ જ મહેનત કરે છે. તેના કારણે જ બોર્ડની પરીક્ષામાં પણ અમારા વિદ્યાર્થીઓ સારા ટકા સાથે પાસ થાય છે.
શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ : ડો. રીટાબેન ફૂલવાલાએ જણાવ્યું કે, અમે રાષ્ટ્રીય નહીં પરંતુ આંતર રાજ્ય કક્ષાએ પણ તમામ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લઈ શાળાને ગૌરવ અપાવ્યું છે. આજે મારા બાળકો વિવિધ ક્ષેત્રમાં વિવિધ પ્રકારની ડિગ્રીઓ મેળવીને દેશ વિદેશમાં પણ મારી સંસ્થાનું નામ રોશન કરી રહ્યા છે. તે તમામ બાળકોને મારી સિદ્ધિનું પુરસ્કાર સમર્પિત કરી રહી છું. જોકે આ પહેલા પણ મારી શાળાને બે વખત જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળી ચૂક્યો છે. જે 2015 અને 2023માં ગુજરાત રાજ્ય સરકાર તરફથી શાળાને એક લાખ રૂપિયાનું પુરસ્કાર મળે છે. તેવી જ રીતે ધોરણ 12 સાયન્સમાં 100 ટકા પરિણામ આવ્યું હોવાને કારણે 50 હજાર રૂપિયાનું પુરસ્કાર શાળાને પ્રાપ્ત થયું હતું.