સુરત: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત સુરતના પ્રવાસે છે. મંગળવારે રાત્રે મોહન ભાગવત સુરત આવી પહોંચ્યા હતા. આજે સવારે તેમણે જૈનાચાર્ય રત્નસુંદરસૂરિશ્વર મહારાજ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. વેસુ જૈન સંઘ ખાતે બંને દિગ્ગજો વચ્ચે એક કલાક સુધી મુલાકાત ચાલી હતી.
મોહન ભાગવતની મુલાકાત મહત્વનીઃ ગુજરાતમાં અત્યારે દેશના બે દિગ્ગજો ઉપસ્થિત છે. એક છે વડાપ્રધાન મોદી અને બીજા છે RSS ચીફ મોહન ભાગવત. આ બંને મહાનુભાવોની ગુજરાત મુલાકાતને રાજકીય દ્રષ્ટિએ મહત્વની માનવામાં આવી રહી છે. મોહન ભાગવત મંગળવારે સાંજે જ સુરત આવી પહોંચ્યા હતા. તેમણે અડાજણ સ્થિત RSS કાર્યાલયમાં રાત્રિ રોકાણ કર્યુ હતું. સુરતમાં મોહન ભાગવતની અનેક બેઠકો અને મુલાકાતોનું આયોજન થયું છે. મોહન ભાગવતે એક બેઠક પદ્મશ્રી કનુભાઈ ટેલર સાથે પણ કરી હતી. આ ઉપરાંત મોહન ભાગવતે RSS કાર્યકર્તાઓ સાથે પણ બેઠકો કરી છે.
વેસુ જૈૈન સંઘની મુલાકાતઃ અડાજણ સ્થિત RSS કાર્યાલયમાં કાર્યકર્તાઓ સાથેની બેઠક બાદ ભાગવત વેસુ જૈન સંઘે પહોંચ્યા હતા. આ જૈન સંધ ખાતે જૈનાચાર્ય રત્નસુંદરસૂરિશ્વરજી અને મોહન ભાગવત વચ્ચે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. આ શુભેચ્છા મુલાકાત લગભગ એક કલાક સમય લાંબી ચાલી હતી.
ડોનેટ લાઈવ સંસ્થાનો કાર્યક્રમઃ સુરતના ઈન્દોર સ્ટેડિયમ ખાતે મોહન ભાગવત ડોનેટ લાઈવ સંસ્થાના કાર્યક્રમમાં હાજરી આપશે. આ સમારંભમાં અંગદાન કરનારા મૃતકોના પરિવારનું સન્માન કરવામાં આવશે. ભારતીય ડાક વિભાગ દ્વારા અંગદાન સમર્પિત વિશેષ કવરનું લોકાર્પણ આ કાર્યક્રમમાં થશે.