સુરત: ભગવાન જગન્નાથ, ભાઈ બલદેવ અને બહેન સુભદ્રા સુરતમાં ગુજરાતના સૌથી મોટા રથ પર સવાર થઈ નગર ચર્ચા પર નીકળ્યા હતા. તેમના હાઇટેક રથની એક ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. ગુજરાતમાં પ્રથમ વાર છે કે ભગવાન જગન્નાથજી માટે હાઈટેક રથ તૈયાર કરાયા હતા. સુરત જ્ય જગન્નાથજીના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

સૌથી મોટા હાઇટેક રથ પર નગરચર્યાએ નાથ: સુરત શહેરમાં છ સ્થળોથી રથયાત્રા નીકળે છે. સૌથી મોટી રથયાત્રા ઇસ્કોન જહાંગીરપુરા મંદિરથી નીકળતી હોય છે પરંતુ આ વખતે પ્રથમવાર ઇસ્કોન વરાછા મંદિર દ્વારા જે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી છે તે ગુજરાતનો સૌથી મોટો રથ છે. ખાસ વડોદરાથી આ રથને તૈયાર કરવામાં આવ્યો હતો. હીરા બજાર તરીકે ગણાતા વરાછા વિસ્તારમાંથી આ રથયાત્રા શરૂ થઈ હતી. સૌપ્રથમ ભગવાનની આરતી અને પૂજા અર્ચના કરવામાં આવી અને ત્યારબાદ ભક્તો કીર્તન અને ભક્તિમાં લીન થઈ ગયા હતા.

રથયાત્રા ઉપર પુષ્પ વર્ષા: વરાછા ઇસ્કોન મંદિર તરફથી નીકળેલી રથયાત્રામાં ભગવાનની અલગ અલગ લીલાઓ અંગેની ઝાંખીઓ પણ જોવા મળી હતી જે ભારતીય સંસ્કૃતિને દર્શાવે છે એટલું જ નહીં જ્યાંથી પણ આવી રથયાત્રા પસાર થઈ રહી હતી ત્યાં ભાવીભક્તોને પ્રસાદ પણ આપવામાં આવી રહ્યા હતા. ભક્તો બ્રીજ ઉપરથી રથયાત્રા ઉપર પુષ્પ વર્ષા કરી રહ્યા હતા. તે સંખ્યામાં આ રથયાત્રામાં મહિલાઓ જોડાઈ હતી અને ખાસ લીલા રંગના પરિધાનની પહેરીને તેઓ જગન્નાથજી ની ભક્તિમાં તલ્લીન જોવા મળી હતી. હજારોની સંખ્યામાં ભાવીભક્તો કલાકો પહેલા જ રથયાત્રા માટે પહોંચી ગયા હતા. સાથે સુરત મેયર હિમાલી બોગાવાળા સહિત મહાનુભાવો પણ જગન્નાથજીના આશીર્વાદ લેવા માટે હાજર રહ્યા હતા.
ડ્રાઇવરને બેસવા માટેની વ્યવસ્થા: સંપૂર્ણ રીતે હાઇટેક રથ છે જેમાં ભગવાન જગન્નાથજી વિરાજમાન હતા કારણ કે આ રથ ડ્રાઇવરને બેસવા માટેની વ્યવસ્થા છે અને સહેલાઈથી બ્રેક લાગી શકે આ માટે પણ ડિસ બ્રેક મૂકવામાં આવ્યા હતા. રથની લંબાઈ 27 ફૂટ છે જ્યારે ઊંચાઈ 33 ફૂટ અને પહોળાઈ 17 ફૂટ છે. ટ્રકના નીચે જે ભાગ હાઇડ્રોલિક પાર્ટ હોય છે તેની ઉપર આ રથ તૈયાર કરવામાં આવ્યા છે. 11 કિલોમીટર સુધી રથયાત્રા કાઢવામાં આવી હતી.