સુરત: સોશિયલ મીડિયામાં પાંચ એવી તસવીર વાયરલ થઇ છે. આ તસ્વીરમાં પોલીસકર્મીઓ સાથે સુરતના કુખ્યાત આસિફ ટામેટાના સભ્યો જોવા મળી રહ્યા છે. જેને જોઈ લાગશે કે આ તમામ એકબીજાના મિત્રો હશે. આ તસ્વીરમાં જે સફેદ રંગના શર્ટ પહેરીને વ્યક્તિ આરોપીના ખભા પર હાથ મૂક્યા છે. તે કોઈ અન્ય નહીં પરંતુ સલાબતપુરા પોલીસ મથકમાં ફરજ બજાવનાર પોલીસ કર્મી ભૂપેન્દ્ર પરમાર છે.
'એક પવિત્ર ઉદ્દેશથી પોલીસ સ્ટેશન દ્વારા રક્તદાન શિબિર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. રક્તદાન શિબિર માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કોઈ આરોપીએ પોલીસ સાથે ફોટો પડાવ્યા હોય અને ગેરકાયદેસર રીતે તેનો ઉપયોગ કરશે. તો તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે.' -ભગીરથ ગઢવી, ડીસીપી
આસિફ ટામેટાના સભ્યોએ રક્તદાન કર્યું: આ કેમ્પમાં જ્યાં સામાજિક કાર્યકર્તા અને સ્થાનિક લોકો આવ્યા હતા. ત્યારે આ વિસ્તારના કુખ્યાત ગણાતા આસિફ ટમેટાના કેટલાક સભ્યો પણ પહોંચી ગયા હતા. એટલું જ નહીં આસિફ ટામેટાના સભ્યોમાંથી કેટલાક લોકોએ રક્તદાન પણ કર્યું હતું. તેઓએ રક્તદાન કર્યું એ મોટી બાબત નથી પરંતુ આરોપી સાથે પોલીસકર્મી ભૂપેન્દ્ર પરમારએ ફોટોસેશન કરાવ્યું હતું. આ તમામ ફોટો આરોપીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂક્યા હતા. રીલ બનાવીને આ તસવીર મૂકવામાં આવી હતી.
સુરત જિલ્લા બહાર રહેવાનો કોર્ટનો આદેશ: ટામેટા ગેંગના સભ્યો પર હત્યા મારામારી સહિતના ગંભીર કેસ છે. આ ગેંગ સામે હત્યા, લૂંટ, ખંડણી, ચોરી, આર્મ્સ એક્ટ સહિત 36 થી પણ વધુ ગુના નોંધાયા છે. ગુજરાતમાં આ જ ગેંગ ઉપર પ્રથમ કેસ ગુજસિટોક કાયદા અંતર્ગત નોંધાયો હતો. જ્યારથી સુરતમાં પોલીસ કમિશનર અજય તોમરે લો એન્ડ ઓર્ડરની કમાન સાંભળી છે. ત્યારથી જ આ લોકો ઉપર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હાલ આ જ કાર્યવાહીમાં તેઓ જામીન ઉપર છે.