વડોદરાઃ શહેર નજીક કપુરાઈ ચોકડી પાસેની ગિરિરાજ હોટેલ પાસે મોડીસાંજે સૂરત પોલીસની PCR વાનની ટકકરે આધેડ વોચમેનનું મોંત નિપજ્યું હતું. વડોદરા શહેરના સીમાડે નેશનલ હાઈવેની કપુરાઈ ચોકડી પાસેની ગિરીરાજ હોટલ પાસેથી રસ્તો ક્રોસ કરી રહેલા હોટલના વોચમેનને પોલીસવાને ટક્કર મારતાં તેનું મોત નિપજ્યું હતું. અમદાવાદમાં ટ્રમ્પનો કાર્યક્રમ પતાવીને સૂરત જતી પોલીસની પીસીઆર વાનના ડ્રાઇવરની બેદરકારી સામે રાહદારીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.
હાઈવે ઉપરની કપુરાઈ ચોકડી પાસેની ગિરીરાજ હોટલમાં વોચમેન તરીકે ફરજ બજાવતા અને લકુલેશ નગર આજવા રોડ પર રહેતા ૪૦ વર્ષીય સુરેશભાઈ વેલજીભાઈ ભાડેચીયા ત્રણ દિવસ અગાઉ જ હોટલમાં નોકરી કરવા માટે આવ્યા હતાં.ત્યારે,ગત મોડીસાંજે અંદાજે સાડા સાત વાગે સુરેશભાઈ હોટલની સામેથી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે અમદાવાદમાં યોજાયેલ અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પનો નમસ્તે કાર્યક્રમ પતાવીને સૂરત જઈ રહેલી પોલીસની પી.સી.આર વાને તેમને ટક્કર મારતાં તેઓનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. માર્ગ અકસ્માતને પગલે રાહદારીઓનું ટોળું એકત્રિત થઈ જતા ભારે હોબાળો મચાવ્યો હતો.અંતે ઘટનાની જાણ પાણીગેટ પોલીસ મથકે કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો. જયારે, આજરોજ આ બનાવની તપાસમાં પાણીગેટ પોલીસે ગુનો નોંધી કોસંબા પોલીસ કવોટર્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા વિશાલ ચૌધરીની અટકાયત કરી હતી.