સુરત: શહેરના ઈચ્છાપુર વિસ્તારમાં કેમિકલ મિશ્રિત બનાવટી વિદેશી દારૂ બનાવવાની એક મિનિ ફેક્ટરી પોલીસે ઝડપી છે. આ કેસમાં બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. સુરત પોલીસે 9.28 લાખનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહીની શરૂ કરી છે.
બે આરોપી ઝડપાયાઃ સુરત શહેરના ઈચ્છાપુર વિસ્તાર ખાતે ડાયમંડ નગર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં પોલીસે રેડ કરી હતી. આ બંગલામાં બનાવટી વિદેશી દારૂ બનાવતી મિનિ ફેક્ટરી ધમધમી રહી હતી. પોલીસ સ્થળ પરથી વિદેશી દારૂની ખાલી, ભરેલી બોટલો, ચાર મોબાઈલ, પ્લાસ્ટિક કેરબા, હેન્ડમેકર પ્રેશર મશિન જપ્ત કર્યા છે. આરોપીઓ વિદેશી દારૂની ખાલી બોટલમાં કેમિકલ યુક્ત દારૂ ભરતા હતા. પોલીસે 42 વર્ષીય કલ્પેશભાઈ સાવરીયા અને 34 વર્ષે દુર્ગાશંકર ખટીકની ધરપકડ કરી છે.
આરોપી કલ્પેશ અગાઉ દમન અને રાજસ્થાન ખાતેથી દારૂની હેરાફેરી કરતો પરંતુ પોલીસ દ્વારા તેને ત્રણ વખત દારૂ સાથે ઝડપી પાડી તેની ઉપર કેસ કરવામાં આવ્યો હતો. એને પોતાના મિત્રો પાસે દારૂ કઈ રીતે બનાવવાનું એ જાણી સુરત શહેરના પોશ વિસ્તારમાં બંગલો ભાડે લઈ આ કેમિકલ યુક્ત નકલી વિદેશી દારૂ બનાવવાનું શરૂ કર્યું. દારૂ બનાવવા માટે આલ્કોહોલ એસેન્સ, કેમિકલ સ્ટિકર, બૂચ વિગેરેની વસ્તુઓ તેને રાજસ્થાન ખાતે રહેતા પોતાના આરોપી મિત્ર પાસેથી મંગાવતા હતા. બંગલામાં મિનિ ફેક્ટરી ઊભી કરી કેમિકલ યુક્ત બનાવટી વિદેશી દારૂ વેચવાનું શરૂ કર્યું હતું...અજય તોમર (પોલીસ કમિશ્નર,સુરત)
1050 લીટર આલ્કોહોલ યુક્ત કેમિકલ જપ્તઃ આરોપીઓએ વિદેશી દારૂ બનાવવા માટે કેમિકલ સુરત શહેરના અઠવાગેટ સર્કલ પાસે આવેલા પેરેડાઇઝ એપાર્ટમેન્ટની દુકાન નંબર આઠમાં સંતાડી રાખ્યું હતું. આરોપીઓ પાસેથી મળેલી માહિતી બાદ પોલીસે દુકાન નંબર આઠમાં રેડ કરી હતી અને ત્યાંથી બનાવટી દારૂ બનાવવા વપરાતું 1050 લીટર આલ્કોહોલ યુક્ત કેમિકલ અને દારૂની બોટલ રિંગ સાથે જપ્ત કર્યુ હતું. આ મુદ્દામાલ કુલ રૂ.5.25 લાખની કિંમતનો છે. પોલીસે દરેક કેમિકલના નમૂના ફોરેન્સિક ડીપાર્ટમેન્ટમાં મોકલી આપ્યા છે. કેમિકલનો ફોરેન્સિક રિપોર્ટ આવે ત્યારબાદ વધુ માહિતી મળી શકશે.