સુરત : બેંકમાં આવનાર ગ્રાહકોની મદદ કરવાના બહાને નજર ચૂકવી રૂપિયા પડાવી લેનાર આંતરરાજ્ય ઈરાની ગેંગના ત્રણ સાગરીતોની સુરત ઉમરા પોલીસે ધરપકડ કરી છે. આ સાથે જ માત્ર સુરત શહેર જ નહીં પરંતુ રાજ્યના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા પાંચથી પણ વધુ ગુનાનો ભેદ સુરત ઉમરા પોલીસે ઉકેલી કાઢ્યો છે. ઈરાની ગેંગના સભ્યો પાસેથી પોલીસે રોકડ રૂપિયા અને મોબાઇલ ફોન સહિત 1.46 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઈરાની ગેંગની મોડસ ઓપરેન્ડી : ઈરાની ગેંગના સભ્યો સુરત સહિત ગુજરાતભરમાં ગુના આચરતા હતા. આરોપીઓ બેંક પર નજર રાખી અને બેંકમાં આવનાર ગ્રાહકોને ટાર્ગેટ કરતા હતા. આરોપી ગ્રાહકોને મદદ કરવાનું જણાવી નજર ચૂકવી રૂપિયા પડાવી નાસી જતા હતા.
મદદ લેવી ભારેે પડી : સુરત શહેરના ઉમરા વિસ્તાર ખાતે આવેલા બેંક ઓફ બરોડામાં આવી જ ઘટના બની હતી. સુરતના ખેડૂત ચુનીલાલ રાઠોડ બેંકમાં રૂપિયા ઉપાડવા ગયા હતા. ત્યારે ઇરાની ગેંગના સાગરીતે ફરિયાદી ચુનીલાલને વાતોમાં વહેલાવી ફોસલાવી જણાવ્યું હતું કે, તેમને જે પૈસા બેંક તરફથી આપવામાં આવ્યા છે તેમાં કેટલીક નોટ ફાટેલી હોય તેવી જણાય આવી છે. આરોપીએ નોટ ચેક કરતા સમયે નજર ચૂકવી 31 જેટલી 500 ની નોટ ચોરી પણ કરી લીધી હતી. ત્યારબાદ આરોપી ફરાર થઈ ગયો હતો.
સમગ્ર ખેલ CCTV માં કેદ : આ સમગ્ર મામલે ACP વિજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ખેડૂત દ્વારા ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે જ્યારે તે બેંક ગયા હતા ત્યારે એક ઇસમ તેમની પાસે આવીને જણાવ્યું હતું કે, તમને જે નોટો મળી છે તેના બંડલમાં કેટલીક નોટ ફાટેલી દેખાઈ રહી છે. આમ કહી આરોપી ખેડૂતની મદદ કરવાના બહાને નોટના બંડલમાંથી 500 ના દરની 31 જેટલી નોટ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની અમે તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ત્રણ આરોપી ઝડપાયા : ACP વિજય મલ્હોત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, ઈરાની ગેંગના ત્રણ લોકોની ઉંમરગામથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી હુસેન ઈરાની, અબ્બુ ઈરાની અને આવેદ ઈરાનીની પૂછપરછ કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે માત્ર સુરત શહેરના ઉમરા, મહિધરપુરા તેમજ રાંદેર જ નહીં, પરંતુ મહેસાણા અને પાલનપુર ખાતે પણ ચોરીની ઘટનાને અંજામ આપી ચૂક્યા છે. આરોપીઓ પૈકી બે આરોપી પિતા અને પુત્ર છે. આ લોકો બેંકમાં આવનાર ગ્રાહકો પર નજર રાખતા અને મદદના બહાને ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.