સુરત: રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. કેટલીક અકસ્માતની ઘટનાઓમાં કેટલાક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા તમામ શહેર અને જિલ્લા પોલીસને ટ્રાફિક ડ્રાઈવ ચલાવવા માટે આદેશ કર્યો છે. જેથી જોખમી રીતે ડ્રાયવીંગ કરનારા તથા દારૂ પીને ડ્રાઇવિંગ કરનાર લોકો સામે કાર્યવાહી થઈ શકે અને આ પ્રકારની ઘટનાઓમાં નહિવત બંને તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
"સુરતમાં જે રીતે અકસ્માતો થાય છે તેને રોકવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા તેને અટકાવવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવામાં આવી રહ્યું છે. તેમાં વર્ષ 2023માં સાત મહિનામાં જોખમી રીતે ડ્રાયવીંગ કરનારા કુલ 792 લોકો સામે કેસ કરવામાં આવ્યા છે. દારૂ પીને ડ્રાઇવિંગ કરનાર કુલ 761 લોકો સામે કેસ કરવામાં આવ્યા છે. જોખમી રીતે ડ્રાયવિંગ કરનારા કુલ 423 સામે IPC 279 કલમ મુજબ કેસ કરવામાં આવ્યા છે. તથા મોટર વ્હીકલ અધિનિયમ 185 મુજબ 254 કેસ કરવામાં આવ્યા છે." - અજય કુમાર તોમર, સુરત પોલીસ કમિશ્નર
દારૂ પીને ગાડી ચલાવવી ગુનો: ખાસ કરીને તમામ માતા-પિતાઓને વિનંતી છે કે પોતાના બાળકોને વાહનોને લાગતી તમામ બાબતો વિષે માહિતગાર કરવામાં આવે તથા પોતે પણ સલામતી રીતે વાહનો ચલાવે. તે ઉપરાંત રાજ્યમાં દારૂ પીને ગાડી ચલાવનાર લોકો સામે રાજ્ય સરકાર અને પોલીસ ખૂબ જ ગંભીર છે. દારૂ પીવું એ ગુનો બને છે. દારૂ પીને ગાડી ચલાવવાથી અકસ્માત થવાનો ભય રહે છે. કોઈપણ પરિસ્થિતિમાં જો તમારી પાસે દારૂ પીવાનું પરમિટ છે તો પણ દારૂ પીને ગાડી ચલાવવી યોગ્ય નથી.
નિયમોનો ભંગ કરનાર સામે પગલાં: ખોટી રીતે બીઆરટીએસ લાઇન, રોંગ સાઈડમાં, વધુ સ્પીડમાં ગાડી ચલાવી જીવન માટે જોખમી બની શકે છે. સુરત શહેર પોલીસ આ બાબતે લઈને ખૂબ જ ગંભીરતાથી કાર્ય કરી રહી છે. જો કોઈ વાહન ચાલક મોટર વ્હીકલ અધિનિયમ મુજમ ગાડીઓ ચલાવશે નહીં અને તેનો ભંગ કરશે તો ચોક્કસપણે પોલીસ તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરશે.