સાડીની દુનિયામાં રોજ નવી ફેશન જોવા મળે છે. સાડી ઉદ્યોગ માટે હબ ગણાતા સુરતમાં ખિસ્સા વાળી સાડીઓની ડિમાન્ડ વધી છે. સાડીમા ફોલ સ્ટીચ કરવાની સાથે મોબાઈલ ફોનના રાખી શકાય એવા પોકેટ બનાવવાનો ટ્રેન્ડ વધી ગયો છે. મોબાઈલ રાખવાની માટે સાડીમાં ખાસ કમરની આસપાસ એક પોકેટ બનાવવામાં આવે છે. આ ફેશન ખૂબ જ પ્રખ્યાત થઈ છે. સુરતમાં સાડીની ડિમાન્ડ જોઈ અને વેપારીઓ પણ આ ખાસ સાડી બનાવવા માટેનો ઓર્ડર આપી રહ્યા છે.
આમ તો કોઈપણ નવુ ફેબ્રિક આવે અથવા તો વેરાયટી ડીઝાઇનના પ્રમાણે ફેશન જોવા મળે છે. પરંતુ આ વખતે સાડીમાં ખિસ્સા વાળી સાડીની ડિમાન્ડ જોવા મળી રહી છે. સુરતના સાડીના વેપારી કપીસ મહેશ્વરીએ જણાવ્યું કે, આજે મોબાઇલ ફોન ડિજિટલ યુગમાં ખૂબ જ જરૂરી બની ગયો છે ખાસ કરીને મહિલાઓ પણ પોતાનુ કામ મોબાઇલ ઉપર કરી રહી છે. મહિલાઓ વારંવાર મોબાઈલ ચેક કરતી હોય છે. ખાસ કરીને ગૃહિણીઓ જ્યારે બજારમાં જતી હોય છે. અથવા તો ઘરે મોબાઈલનો ઉપયોગ સહેલાઇથી કરી શકે એ માટે ખિસ્સા વાળી સાડીની ડિમાન્ડ કરી રહી છે.
સાડીઓમાં ખાસ લેસ બોર્ડર ડિઝાઇની સાથે-સાથે મેચિંગ મેચિંગ ખિસ્સા બનાવમાં આવી રહ્યા છે.સાડીના અન્ય વેપારી ચંપક શર્માએ જણાવ્યું કે, ઉત્તર ભારતથી લઈ દક્ષિણ ભારત સુધી જ્યાં પણ મહિલો વધારે સાડીનો ઉપયોગ કરે છે. ત્યાં ખિસ્સા વાળી સાડીઓની ડિમાન્ડ વધુ જોવા મળી રહી છે. એમાં ખાસ કરીને બ્લાઉઝ પીસથી મેચિંગ કરતી સાડી ઉપર એજ કલરના ખિસ્સા લગાવવામાં આવે છે.