સુરત : સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ગામે આવેલ ઓમકારેશ્વર મંદિર ખાતે કરાયેલા ગરબાના આયોજનમાં નોમના ગરબાની રમઝટ ચાલી હતી. તે દરમિયાન સ્થાનિક યુવાનને અચાનક જ ખેંચ આવી ઢળી પડ્યો હતો. જેેમને દવાખાને લઈ જતાં તબીબે મૃત જાહેર કરતાં ખેલૈયાઓ ચોંકી ઉઠ્યા હતાં. મજબૂત બાંધાના તંદુરસ્ત મુકેશભાઈનું ગરબા રમતા રમતા અચાનક થયેલા મોતથી સૌ ખેલૈયાઓ પણ ચોંકી ઉઠ્યા હતાં.
અરેઠ ગામે ગરબા રમતી વેળા બનેલી ઘટનામાં મુકેશભાઈના મૃત શરીરનું પીએમ કરી જરૂરી અવશેષો તપાસ માટે મોકલ્યા છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું કારણ સ્પષ્ટ કહી શકાશે પ્રથમ કારણ તો નેચરલ ડેથ જણાય રહ્યું છે...ડૉ. સુશીલભાઈ ( પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પાતલ, માંડવી )
દીકરી સાથે ગરબા જોવા ગયો હતો યુવક : પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર માંડવી તાલુકાના અરેઠ ગામે ગણેશ નગર સોસાયટીમાં રહેતા મુકેશભાઈ ભીખાભાઈ ગામીત (47) (રહે.ખાણ ફળીયુ પેટ્રોલ પમ્પની પાછળ,અરેઠ) કે જેઓ ટ્રકના ડ્રાઈવર તરીકે નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. જેમને પરિવારમાં એક દીકરો તથા એક દીકરી આયુષી છે. ઘટનના દિવસે રાત્રે પરિવાર ઘરે બેઠો હતો ત્યારબાદ રાત્રીના અગિયારેક વાગ્યે મુકેશભાઈ ભીખાભાઈ ગામીત મહેસાણા અભ્યાસ કરતી પોતાની દીકરી આયુષી જોડે અરેઠ ખાતેના ઓમકારેશ્વર મંદિરે ગરબા જોવા માટે ગયાં હતાં.
ગરબા રમતાં અચાનક ઢળી પડ્યો : મોડી રાત્રીના એકાદ વાગ્યે મુકેશભાઈ પણ ડીજેના તાલે પુત્રી સાથે ગરબા રમી રહ્યાં હતાં. તે દરમિયાન અચાનક ખેંચ આવતાં જેઓ ઢળી પડ્યા હતાં. જેમને તાત્કાલિક અરેઠ સરકારી દવાખાનમાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં સૌ ચોંકી ઉઠ્યા હતાં.