સુરતઃ સુરત શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજા ક્રમાંકે છે. સુરત મહા નગર પાલિકા સમગ્ર શહેરને સ્વચ્છ રાખવા માટે કમર કસી રહી છે. જાહેર સ્થળોએ થૂંકતા લોકોને પરિણામે જાહેર સ્થળોની સુંદરતાને નુકસાન પહોંચે છે. આ દૂષણને નાથવા સુરત મનપાએ ઈ મેમો આપી રહી છે. મનપા ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા સમગ્ર શહેરમાં વોચ રાખી રહી છે. જે વાહન ચાલક જાહેર સ્થળો પર થૂંકીને ગંદકી કરે તેને આરટીઓની સહાયથી ઈ મેમો ફટકારવામાં આવી રહ્યા છે.
સુરત મનપાની કામગીરીઃ સુરત મનપા જાહેર સ્થળો પર કરોડો રુપિયાનો ખર્ચ કરીને તેને સુંદર બનાવે છે. કેટલાક નાગરિકો પાન, માવા, ગુટખા ખાઈને થૂંકની લાલ પિચકારી મારીને આ સ્થળોને ગંદા કરી રહ્યા છે. તેથી મનપાએ આ સમસ્યાને ડામવા પ્રયત્નશીલ થઈ છે. મનપા ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા 3250 સીસીટીવી કેમેરાથી નજર રાખી રહી છે. અત્યાર સુધી મનપાએ આરટીઓની મદદથી 140 ઈ મેમો ફટકારી ચૂકી છે. જેમાંથી 40 નાગરિકોએ દંડ ભરી દીધો છે. જો નાગરિકો દંડ ભરવામાં વિલંબ કરશે તો દંડની રકમ 250 કરીને ફરીથી ઈ મેમો મોકલવામાં આવશે. આ ઉપરાંત મનપાની 60 ટીમો દ્વારા વિવિધ વોર્ડની રુબરુ વોચ પણ રાખવામાં આવી રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સુરત શહેરને સ્વચ્છ બનાવવા માટે અમે અગ્રસર છે. ખાસ કરીને શહેરના જાહેર સ્થળો પર પાન, માવા ખાઈને થૂંકનાર લોકો વિરુદ્ધ એક્શન લેવામાં માટે પણ 3250 સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. અત્યાર સુધી અમે 140 લોકોને આરટીઓના માધ્યમથી ઈ મેમો મોકલી દંડ ફટકાર્યા છે. ગણતરીના દિવસોમાં 40 જેટલા લોકોએ દંડની રકમ ભરી છે. જો અન્ય લોકો 5 દિવસમાં દંડ નહિ ભરે તો તેમને દંડની વધુ રકમ 250 રૂપિયાનો ઈ મેમો મોકલવામાં આવશે...શાલિની અગ્રવાલ(મ્યુનિસિપલ કમિશ્નર, સુરત)