સુરત : શહેરમાં મેડિકલ સ્ટોરમાં વેચાતી પ્રોટીન અને વિટામિનની દવાના સેમ્પલ પણ હવે ફેઇલ ગયા હોવાનું જાણવા મળે છે. હેલ્થ કોન્સિયસ યંગસ્ટર્સ માટે આ લાલબત્તી સમાન ઘટના છે. સપ્લિમેન્ટમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું અથવા તો વધારે નીકળ્યું છે. રિપોર્ટ બાદ હવે સુરત મહાનગરપાલિકા શહેરની ચાર મેડીકલ સ્ટોર સામે ફરિયાદ દાખલ કરશે.
18 નમૂનાની તપાસ : સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ઝોનમાં મેડીકલ સ્ટોરમાંથી 18 જેટલા નમૂના લઇ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતાં. આ 18 નમૂનાઓમાંથી 4 મેડિકલ સ્ટોરના જે સેમ્પલ છે તે લેબમાં ફેઇલ ગયા છે. આ ચાર મેડીકલ સ્ટોરમાં જે સપ્લીમેન્ટ અને વિટામીનની દવાઓ હતી. તેમાં ગુણવત્તા સારી નહોતી, કોઈ સપ્લિમેન્ટમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હતું અથવા તો કોઈ સપ્લિમેન્ટમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું.
હેલ્થ કોન્સિયસ લોકો માટે ચિંતાનો વિષય : અગાઉ શહેરના અનેક સ્થળો ઉપર દરોડા પાડી સુરત મહાનગરપાલિકા ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા પેસ્ટ્રી,પનીર, મસાલા ચીઝ વગેરેના નમૂના લેવામાં આવ્યા હતાં. અને ત્યારબાદ હેલ્થ કોન્સિયસ લોકો જે સપ્લીમેન્ટ વાપરે છે, તે દવાના પણ નમૂના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતાં. 18 નમૂનાઓમાંથી 4 ફેઇલ ગયા છે જે હેલ્થ કોન્સિયસ લોકો માટે ચિંતાનો વિષય છે.
ફૂડ વિભાગ તરફથી શહેરના મગોબ, બમરોલી, શાહપુર સહિત અન્ય સ્થળો પરથી મેડીકલ સ્ટોરમાં સહેલાઈથી મળનાર સપ્લીમેન્ટ તેમજ શારીરિક તંદુરસ્તી માટે જે એચએસયુટિકલ હોય છે તેના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. ત્યારબાદ તેમને લેબમાં તપાસ મોકલવામાં આવ્યા હતાં. કુલ 18 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતાં જેમાંથી 4 સેમ્પલ લેબ તપાસમાં ફેઇલ ગયા છે. આ ચાર મેડીકલ સ્ટોર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે...એચ.એસ પટેલ ( આરોગ્ય વિભાગ અધિકારી)
નિર્ધારિત પ્રોટીન કરતાં ઓછું : સુરત શહેરના શાહપુર વિસ્તાર ખાતે આવેલા આશિષ મેડિકલ સ્ટોરમાંથી જે પિંક નામની સપ્લીમેન્ટની તપાસ કરવામાં આવી હતી. તેની અંદર પ્રોટીનનું પ્રમાણ નિર્ધારિત પ્રોટીન કરતાં ઓછું મળી આવ્યું હતું. જ્યારે મગોબ વિસ્તાર ખાતે આવેલી જય અંબે મેડિકલ સ્ટોરમાંથી જે પ્રોટીન સપ્લીમેન્ટરીની તપાસ લેબમાં હાથ ધરવામાં આવી તેની અંદર પ્રોટીન વધુ પ્રમાણમાં મળી આવ્યું હતું.
કેલ્શિયમ ટેબલેટ સેમ્પલમાં શું આવ્યું? : આવી જ રીતે બમરોલી રોડ ખાતે આવેલા એચએસ એન્ટરપ્રાઇઝીસ તેમજ બે મેડીકલ સ્ટોરમાંથી જે કેલ્શિયમ ટેબલેટ તેમજ આપન પ્લસ કેપ્સ્યુલના સેમ્પલ લેવામાં આવ્યા હતાં તેમાં પેકેટ પર જણાવવામાં આવેલ પ્રોટીનનું પ્રમાણ વધારે હોવાનું સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકા હવે આ ચારેય મેડીકલ સ્ટોર સામે કાર્યવાહી કરવા જઈ રહી છે. આ તમામ સંસ્થાઓ સામે કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે.