સુરત : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અમલસાડી ગામ ખાતે જંગલ વિસ્તારમાંથી શિકારની શોધમાં આવેલ ખૂંખાર દીપડાએ એક બકરીનો શિકાર કર્યો હતો. ત્યારે શિકારને ખેંચીને લઇ જતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. વન વિભાગની ટીમે આ દીપડાને પકડવા પાંજરું ગોઠવી દીધું છે.
દીપડા દ્વારા એક બકરીનો શિકાર કરવામાં આવ્યો છે. હાલ અમારી ટીમ દ્વારા આ જગ્યા પર એક પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે...ડી.આર ડાભલ્યા (આરએફઓ, પલસાણા તાલુકા)
બકરીનો શિકાર કરી ઝાડીમાં સંતાડી હતી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અમલસાડી ગામમાં નવા ફળિયામાં રહેતા અજીતભાઈ બાબુભાઈ હળપતિના બકરાના કોઢારમાંથી દીપડો એક બકરીનો શિકાર કરી મહળીયા ખાડી તરફ ખેંચી જઈ બકરીને અડધો ભાગ ખોરાક કર્યા બાદ, ઝાડીમાં સંતાડી હતી. ગામના જાગૃત નાગરિક લાલુ પટેલે ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરતા વન વિભાગને સાથે રાખી સોમવારે સાંજે ગૌચર જગ્યા પર મારણ સાથે પાંજરુ મુક્યું હતું. જ્યારે મૃત બકરી દીપડાએ ઝાડીમાં સંતાડી ગયો હોય, એ જગ્યા પર જતીન રાઠોડ અને આયુષ હળપતિએ CCTV કેમેરો મૃત બકરીવાળી જગ્યા પર મુક્યો હતો.
સીસીટીવીમાં કેદ થયો દીપડો : CCTVમાં લાઈવ તપાસ કરતા 4 થી 5 વર્ષનો દીપડો મૃત બકરીને ખાવા આવ્યો હતો. અને ગીચ ઝાડી તરફ ખેચી લઈ જઈ મૃત બકરીને ખોરાક બનાવ્યો હતો. ત્યારે લોકોનો અવાજ આવતા દીપડો મૃત બકરીને મીઢોંળા નદી તરફ ખેંચી પલાયન થયો હતો. જે ઘટના કેમેરામાં કેદ થઈ હતી. દીપડાએ શિકારને ઉઠાવ્યો અને અવાજ આવતા શિકાર દબોચી ભાગી ગયો હતો તે સીસીટીવીમાં સ્પષ્ટ દેખી શકાય છે. ઘટના અંગે પલસાણા આરએફઓ દ્વારા દીપડાને પકડવા પાંજરુ મૂકી દીવામાં આવ્યું છે.