સુરત : નવી સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું. પરંતુ ત્યારબાદ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગના કર્મચારીઓનો જવાબ સાંભળીને મૃતકનો પરિવાર પોતાના ત્રણ વર્ષના બાળકનો મૃતદેહ ઓટો રીક્ષામાં લઈ જવા માટે મજબૂર બન્યો હતો. જોકે, ત્યારે મીડિયાકર્મીઓ પહોંચી જતા હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. મૃતકના પરિવારે આક્ષેપ કર્યો હતો કે, હોસ્પિટલ દ્વારા બાળકના મૃતદેહને લઈ જવા માટે શબવાહિની વ્યવસ્થા કરવામાં આવી નથી.
શું હતો મામલો ? સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ વડોદ ગામમાં રહેતો 3 વર્ષીય દીપક ચિંતામણી પોતાના ઘરની ગેલેરીમાંથી નીચે પડી ગયો હતો. બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. અહીં તેની આઈસીયુમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન મોત થતાં દિપકના મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યો હતો.
મૃતદેહને રિક્ષામાં લઈને ફર્યો પરિવાર : બાળકના મોત અંગે જાણ થતા પરિવાર મૃતદેહને લેવા માટે આવ્યો ત્યારે પોસ્ટમોર્ટમ રૂમના કર્મચારીઓનું વલણ જીવને હચમચાવી નાખે તેવું હતું. હોસ્પિટલ સ્ટાફ દ્વારા શબવાહીની વ્યવસ્થા કરવાના બદલે પરિવારને કહ્યું હતું કે, તમે બાળકના મૃતદેહને લઈ જાઓ. આથી મૃતકનો પરિવાર બાળકના મૃતદેહને ઓટો રિક્ષામાં લઈ જવા માટે મજબૂર બન્યો હતો. જોકે, મીડિયાકર્મીઓ ત્યાં પહોંચી જતા હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી.
મૃતકના પરિવારનો આક્ષેપ : આ બાબતે મૃતક દીપકના મામા બંટીભાઈએ જણાવ્યું કે, ગત 28 તારીખના રોજ દીપક ત્રીજા માળેથી નીચે પડી જતાં ઈજાગ્રસ્ત થયો હતો. તેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. તેને આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો. ત્રણ દિવસ સુધી તેની સારવાર ચાલી અને ત્યારબાદ ગઈકાલે રાત્રે દીપકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આમ તો ડોક્ટર કહી રહ્યા હતા કે, દીપકની તબિયત સારી છે. પરંતુ અચાનક ગઈકાલ રાત્રે તેઓએ કહ્યું કે, દીપકનું સારવાર દરમિયાન મોત થઈ ચૂક્યું છે. અહીં પોસ્ટમોર્ટમ રૂમના કર્મચારીઓ દ્વારા અમને જણાવ્યું કે, તમે તમારી ગાડી લઈને આવો અને બાળકના મૃતદેહને લઈ જાઓ.