સુરત: તમે સાંભળીને ચોકી જસો કે સુરત નવી કિડની હોસ્પિટલ ખાતે કિડની બિલ્ડિંગમાં કિડની સંબંધિત કોઈ પણ રોગની સારવાર થતી નથી. આ બિલ્ડીંગ તો છોડો આખા સિવિલ હોસ્પિટલમાં એક પણ જગ્યાએ ખાસ કિડનીના રોગો માટે સ્પેશીયલ ઓપીડીની વ્યવસ્થા પણ નથી. કિડની સારવાર માટે એકમાત્ર ડોક્ટર છે અને એ પણ કોન્ટ્રાક્ટ બેઇઝ પર છે અને અઠવાડિયામાં માત્ર બે દિવસ તેઓ આવે છે.
તંત્રની લાપરવાહી: દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ નવી સિવિલ હોસ્પિટલ છે ,જ્યાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોથી પણ લોકો સારવાર માટે આવે છે. લોકો વિશ્વાસ રાખીને આવે છે કે અહીં તેમને યોગ્ય સારવાર મળે અને મોટાભાગે લોકોને સારી સારવાર પણ મળે છે, પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે એ નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં એક કિડની હોસ્પિટલ તરીકે 8 માળની બિલ્ડીંગ છે. લોકો એને કિડની હોસ્પિટલ તરીકે ઓળખે છે પરંતુ આ હોસ્પિટલની અંદર કિડની રોગ સંબંધીત સારવાર આપવામાં આવતી નથી. બાળરોગથી અન્ય રોગો અને મેડિસિનની સારવાર લોકોને આપવામાં આવે છે. આ હોસ્પિટલ માત્ર નામ માત્રની કિડની હોસ્પિટલ છે પરંતુ એક પણ દર્દી આ હોસ્પિટલમાં સારવાર મેળવી શકતો નથી.
ડોક્ટર કોન્ટ્રાક્ટ બેઝ પર: છેલ્લા ઘણા સમયથી રિસર્ચ કહે છે કે કિડની સંબંધિત રોગના દર્દીઓની સંખ્યા વધી છે પરંતુ દક્ષિણ ગુજરાતની આ સિવિલ હોસ્પિટલ અને ખાસ કરીને જેને કિડની હોસ્પિટલ કહેવામાં આવે છે. એક પણ કાયમી સરકારી કિડનીના ડોક્ટર નથી. એટલું જ નહીં સમગ્ર સિવિલ હોસ્પિટલમાં એક પણ ખાસ સ્પેશીયલ ઓપીડી નથી, કે જે કિડની સંબંધીત રોગો માટે દર્દીઓને સારવાર કરી આપે. સિવિલ હોસ્પિટલના ત્રણ નંબર તરીકે ઓળખાતા જનરલ સર્જરી વોર્ડમાં કિડનીના દર્દીઓ માટે એક ડોક્ટર આવે છે. જે કોન્ટ્રાક્ટ બેઝ પર છે અને તેઓ અઠવાડિયાના મંગળવાર અને શનિવારના રોજ સવારે 10 થી 1:00 વાગ્યા સુધીમાં તેમને સારવાર આપે છે. જેના કારણે દર્દીઓ સવારે 8:00 વાગ્યાથી ટોકન લઇ સારવાર મેળવે છે.
કરોડોના ખર્ચે બનેલી બિલ્ડીંગ શોભાના ગાંઠિયા સમાન: આશરે 100 કરોડથી પણ વધુના ખર્ચે આ કીડની બિલ્ડીંગ તૈયાર કરવામાં આવી છે, જેને લગભગ ત્રણ વર્ષ થઈ ગયા છે. સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં આજ દિન સુધી કિડની ઓપીડી બની જ નથી. જોકે હોસ્પિટલ બનીને તૈયાર છે. આંકડાકીય રીતે જોવા જઈએ તો અઠવાડિયામાં મંગળવાર અને શનિવાર કિડનીના નિષ્ણાંત ડોક્ટર આવે છે. તેઓ ત્રણ કલાક સેવા આપે છે. નવી સિવિલ હોસ્પિટલમાં આ બે દિવસની વાત કરવામાં આવે તો એક દિવસમાં 50થી લઈને 100 કરતાં પણ વધુ દર્દીઓ કિડનીની સારવાર લેવા માટે આ ડોક્ટર પાસે આવે છે. જેમાં 5 મહિનાથી લઈને 80 વર્ષ સુધીના દર્દીઓ સામેલ છે. બીજી બાજુ જો સર્જરી કરવાની નોબત આવે તો તેમને જનરલ સર્જરી થિયેટરમાં સર્જરી કરવામાં આવે છે.
'હાલ જે કિડની હોસ્પિટલ છે એ જનરલ બિલ્ડીંગ છે. ત્યાં પેટ્રિયટિક, મેડિસિનના વોર્ડ રાખ્યા છે. આ બિલ્ડીંગ પીએમએસએસવાય હેઠળ છે. જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ 60% અને સ્ટેટ ગવર્મેન્ટ 40% ફાળો આપે છે. અને આ હોસ્પિટલ બનાવવામાં 120 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે જેમાં બિલ્ડીંગ અને ઉપકરણનો ખર્ચ સામેલ છે. સ્ટેટ ગવર્મેન્ટ નો ફાળો આવી ગયો છે પરંતુ સેન્ટ્રલ ગવર્મેન્ટ નો ફાળો કેટલાંક બાકી છે. મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તૈયાર થશે.જેમાં કિડની હૃદય અને લીવરના ગંભીર રોગોની સારવાર થઈ શકશે.' -ગણેશ ગોવેકર, સુપ્રિટેન્ડેન્ટ, સુરત નવી સિવિલ હોસ્પિટલ
હાલ બાર OT બની રહ્યા છે: તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી જે જૂની બિલ્ડીંગ છે તે જર્જરીત છે. આજ જર્જરી બિલ્ડિંગમાં અગાઉ 1250 જેટલા પેશન્ટ રોજે આવતા હતાં. હાલ બિલ્ડીંગનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું અને તેની ઓપીડી હાલ કિડની અને સ્ટેમ સેલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. કિડની હોસ્પિટલમાં અત્યારે બાર ઓટી બની રહ્યા છે. જેટલા પણ સર્જીકલ વોર્ડ તેને અમે કિડની બિલ્ડિંગમાં શિફ્ટ કરવાના છીએ. હાલ કિડનીની જે સારવાર આપવામાં આવી રહી છે તે જનરલ સર્જરી વોર્ડની અંદર કરવામાં આવે છે. કિડનીની સારવાર માટે એક ડોક્ટર છે જે કોન્ટ્રાક્ટ ઉપર છે. કિડની માટે એક સ્પેશિયલ ઓપીડી નથી.