સુરત: એક તરફ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે બીજી તરફ શહેરીજનોને સ્વચ્છ અને નિયમિતપણે પૂરતું પાણી મળી રહે, તેવા પ્રયાસ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. ઉનાળા દરમિયાન શહેરીજનોને પાણીના પુરવઠા આપવામાં કોઈ તકલીફ ન પડે, તે બદલ સુરત મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.
સુરતના વરાછા સ્થિત સૂર્યપુર ગરનાળા નજીક આવેલી આશરે 51 વર્ષ જૂની પીવાના પાણીની પાઈપલાઈન જર્જરિત થઈ જવાના કારણે અવારનવાર લીકેજ થવાની સમસ્યા ઉદ્દભવી રહી હતી. જેના કારણે શહેરીજનોને પણ પાણી પુરવઠો પહોંચાડવામાં સમસ્યા ઉદ્દભવી રહી હતી. આ કારણે 51 વર્ષ જૂની આ પાઈપલાઈનનું સમારકામ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જેની અસર 60 લાખની વસ્તી ધરાવતા સુરત પર પડી છે.
ઉલ્લેખનીય છે કે, આ કામગીરી 30 કલાક જેટલી લાંબી ચાલવાની છે. જે કારણે 6 ઝોનમાં શુક્રવારેના રોજ પાણીનો કાપ મુકવામાં આવ્યો છે. શુક્રવારે પણ શહેરીજનોને ઓછા પ્રેસરથી પીવાનું પાણી મળે તેવી શક્યતા છે.