સુરત : માંગરોળ તાલુકાના દીનોદ ગામની સીમમાંથી કોસંબા પોલીસે સસલાઓનો શિકાર કરતી ગેંગને ઝડપી લીધી હતી. ઝડપાયેલી ગેંગ પાસેથી 6 મૃત હાલતમાં સસલાઓ પણ મળી આવ્યા હતા. કોસંબા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીઓનો કબજો સ્થાનિક વન વિભાગની ટીમને સોંપ્યો હતો.
શું છે સમગ્ર મામલો : પ્રાપ્ત માહિતી અનુસાર કોસંબા પોલીસ ગત મોડી રાત્રે દીનોદ ગામે 2 રાત્રી દરમિયાન નાઈટ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન રાત્રીના એકાદ વાગ્યે ગામની સીમમાં આવેલી સુરભી ટેક્સટાઇલ મીલના સોલાર પ્લાન્ટ પાસેની ખુલ્લી જગ્યામાં કેટલાક અજાણ્યા શખ્સો શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા કોસંબા પોલીસે તમામની પૂછપરછ કરી હતી, ત્યારે જેમની તપાસ કરતા તેઓ પાસેથી ગીલોલ, વન્ય પ્રાણી જીવ પકડવાની જાળ તેમજ અન્ય શંકાસ્પદ વસ્તુઓ મળી હતી.
સસલાનું માસ ખાઈ જતા : પોલીસે જેમની ઉલટ તપાસ કરતા તેઓ મોડી રાત્રે ગીલોલ અને જાળનાં માધ્યમથી જંગલ વિસ્તારમાં સસલાનો શિકાર કરતા હોવાની કબૂલાત કરી હતી. જેમની પાસેથી શિકાર કરેલા છ સસલાઓ મૃત હાલતમાં પ્લાસ્ટિકની થેલીમાંથી મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ શખ્સો રતોલાથી આવી મોડી રાત્રે લોકોની નહીવત હાજરીનો લાભ લઈ દીનોદ જંગલ વિસ્તારમાં સસલાનો શિકાર કરી જેનો માંસ રાંધીને ખાઈ જતા હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું. કોસંબા પોલીસે 8 લોકોનો કબજો લઈ જરૂરી કાર્યવાહી કરી મુદ્દામાલ સાથે માંગરોળ વન વિભાગને સુપ્રત કરી દીધા હતા.
કોસંબા પોલીસે હાલ તમામ આરોપીઓનો કબજો વન વિભાગને સોંપી દીધો છે. હાલ આરોપીઓની પૂછપરછ શરૂ છે. સસલાનો શિકાર કરી રાંધીને ખાઈ જતા હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. - હિરેન પટેલ (ઝંખવાવ વન વિભાગના RFO)
કોણ છે આ શખ્સો : 31 વર્ષીય જીગ્નેશ વિનુ ચૌધરી, 30 વર્ષીય શંકર હિમલા ચૌધરી, 30 વર્ષીય રણજીત વાલજી ચૌધરી, 28 વર્ષીય દિવનેશ વિનુ ચૌધરી, 59 વર્ષીય મનુ ચીમન, 26 વર્ષીય સુનીલ અત્યંત ચૌધરી, 19 વર્ષીય રાહુલ મોહન ચૌધરી, 28 વર્ષીય પરેશ અરવિંદ ચૌધરીની ધરપકડ કરી હતી.