સુરત : દેશનું 80 ટકા મેન-મેડ ફેબ્રીકનું ઉત્પાદન સુરતમાં થાય છે. શહેરના કાપડઉદ્યોગ પાસે રોજનું પાંચ કરોડથી વધુ મીટર કાપડ બનાવવાની ઉત્પાદન ક્ષમતા છે. જેમાં હાલ રોજનું 3.5 કરોડની આજબાજુ કાપડનું ઉત્પાદન થઈ રહ્યું છે. ત્યારે સુરતમાં માત્ર કાપડ જ નથી તૈયાર થઈ રહ્યું, તેની સાથે સુરત સ્થિત મેન મેડ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન ભારત દેશની આન,બાન અને શાન ગણાતા એરફોર્સ સ્ટાફના યુનિફોર્મ, પેરાશૂટ અને બોમ્બ સ્કોડ મટીરીયલનું ટેસ્ટિંગ પણ કરવા જઈ રહી છે.
મંત્રાને મહત્વપૂર્ણ જવાબદારી : મંત્રા પોતાની લેબમાં કાપડના ટેસ્ટિંગ, સર્ટીફીકેશન ઉપરાંત સાહસિકોને ટેકનીકલ ટેક્સટાઇલમાં પડતી મુશ્કેલીઓને ઉકેલી આગળ વધવામાં મદદરૂપ થાય છે. મંત્રાનું કામ માત્ર લેબમાં ટેસ્ટિંગ કરી સર્ટિફિકેટ આપી છૂટી જવાનું નથી. ટેકનીકલ ટેક્સટાઇલમાં અનેક એવી સ્ટ્રીમ છે જેમાં નવો ઉદ્યોગ સાહસ થકી આગળ વધી શકે તેમ છે. દૈનિક ચાર કરોડ મીટર કાપડના ઉત્પાદનમાંથી હજુ માંડ પાંચ થી છ ટકા ટેકનીકલ ટેક્સટાઇલમાં હિસ્સો હશે. આ મામલે નવા સાહસિકોએ આગળ વધવાની જરૂર છે.
એરફોર્સના જવાનોની સુરક્ષા : તાજેતરમાં મંત્રાને ભારતીય એરફોર્સ સ્ટાફના યુનિફોર્મના કાપડના ટેસ્ટિંગ માટેની જવાબદારી મળી છે. જે અંગે મંત્રાના ડિરેક્ટર ડો. પંકજ ગાંધીએ જણાવ્યું હતું કે, ભારતીય એરફોર્સના નાગપુર ક્વાર્ટસે સ્ટાફના ટેરી વુલ ગ્રે કાપડ ખરીદવા માટેના કોમ્પ્રેહેન્સિવ ટેકનિકલ પેરામીટર્સ એરફોર્સ દ્વારા નક્કી કર્યા છે. યુનિફોર્મ કાપડ માપદંડો પ્રમાણે કાપડની ગુણવત્તા નક્કી કરવા 10 જેટલી ટેક્સટાઇલ મંત્રાલય હેઠળની રિસર્ચ લેબોરેટરીને સંપર્ક કરવામાં આવ્યો હતો. રાજ્યમાંથી અમદાવાદ સ્થિત અટીરા અને સુરત સ્થિત મંત્રાને ઇન્ડિયન એરફોર્સ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું.
સુરતની મંત્રાને ભારત સરકારે મહત્વની જવાબદારી સોંપી છે. ભારતીય એરફોર્સના સ્ટાફના યુનિફોર્મની ડિઝાઇનમાં વિવિધ પાસાઓ આવરી લેવામાં આવ્યા છે. પેરાશુટ અને બોમ્બ સ્કોડના જે જવાનો કાપડની ચકાસણી અલગ અલગ પાસાઓ હેઠળ અમારી લેબમાં અત્યાધુનિક મશીનરીમાં થાય છે. -- ડો. પંકજ ગાંધી (ડાયરેક્ટર, મંત્રા)
યુનિફોર્મનું ટેસ્ટીંગ : ડો. પંકજ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, સુરતની મંત્રાને યુનિફોર્મના ટેસ્ટીંગની ફાઇનલ કામગીરી સોંપવામાં આવી છે. અમે ઝડપથી રિપોર્ટ તૈયાર કરી વિભાગને સોંપીશું. ભારતીય એરફોર્સના સ્ટાફના યુનિફોર્મની ડિઝાઇનમાં વિવિધ પાસાઓ આવરી લેવામાં આવ્યા છે. માત્ર યુનિફોર્મ જ નહીં પરંતુ પેરાશુટ અને એરફોર્સ તેમજ આર્મી જે કાપડનો ઉપયોગ કરે છે, તેની ચકાસણી અલગ અલગ પાસાઓ હેઠળ અમારી લેબમાં અત્યાધુનિક મશીનરીમાં થાય છે. જેમાં કાપડનો પાણીની સામેનો અવરોધ, હવાના ઊંચા દબાણે અવરોધ, કાપડના રંગનું ટકાઉપણું, ઓઇલ સામે અવરોધ વગેરેનો સમાવેશ થાય છે.
ગુણવત્તાના માપદંડ : નક્કી કરાયેલા માપદંડ મુજબ એરફોર્સના યુનિફોર્મનું કાપડ વુલ, પોલિએસ્ટર અને લાઇક્રા ફિલામેન્ટમાંથી બનેલુ હોવું જોઈએ, યુનિફોર્મનું કાપડ એમાઇન્સવાળી ડાઇઝમાંથી બનેલુ હોવું ન જોઈએ, કાપડ પર ટેફલોનનું કોટીંગ હોવુ જોઇએ, કાપડની ક્ષમતા, ગરમી તથા ઠંડી સામે રક્ષણ જેવા સમગ્ર પાસાઓને આવરી લેતો અભ્યાસ મંત્રા કરી તેનો રિપોર્ટ તૈયાર કરશે.
બોમ્બ સ્કોડ માટે ખાસ કાપડ : ડો. પંકજ ગાંધીએ જણાવ્યું હતું કે, અમે એરપોર્ટમાં જે પેરાશુટનું કાપડ વાપરવામાં આવે છે એ અંગે પણ નિરીક્ષણ અને સંશોધન કરી રહ્યા છીએ. પવનનું દબાણ અને કાપડનું મટીરીયલ કઈ રીતે તેમની માટે ઉપયોગી બની રહે એ અંગે પણ રિસર્ચ કરી રહ્યા છીએ. બોમ્બ સ્કોડના જે જવાનો કાપડ વાપરતા હોય છે, જે તેમને બ્લાસ્ટ અને આગથી બચાવી શકાય તે કાપડનું પણ નિરીક્ષણ અહીં કરીએ છીએ. જેથી એ કાપડ કોઈપણ પ્રકારે વિકટ પરિસ્થિતિમાં બચાવી શકાય.