સુરત : જિલ્લાના ઓલપાડ તાલુકાના પારડી કોબા ગામની સીમમાં દીપડો દેખાયો હતો. સ્થાનિક ભરત પટેલના ખેતરમાં મજૂરો શેરડી કાપી રહ્યા હતા તે દરમિયાન ખૂંખાર દીપડો અને તેના બચ્ચા સામે આવી જતા મજૂરો ગભરાઈને જીવ લઇને ભાગ્યા હતા. ધોળા દિવસે દીપડો દેખાયાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં ગામ લોકોના ટોળા ગામની સીમમાં જોવા મળ્યા હતા.
વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી : સમગ્ર ઘટનાની જાણ ઓલપાડ વન વિભાગની ટીમને કરવામાં આવતા વન વિભાગની ટીમ કોબા-પારડી ગામની સીમમાં પહોંચી ગઈ હતી. ખેતર ફરતે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલા દિવસથી ઓલપાડ તાલુકામાં દીપડા દેખાતા હોવાની ફરિયાદ સ્થાનિકો વન વિભાગને કરી રહ્યા છે. સ્થાનિક ખેડૂતો બળવંત પટેલે જણાવ્યું હતું કે, મજૂરો શેરડી કાપી રહ્યા હતા તે દરમિયાન દીપડો આવ્યો હોવાનું મજૂરો જણાવી રહ્યા છે. મે પણ પંદર દિવસ પહેલા સીમમાં દીપડો જોયો હતો. દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે. દીપડાનાં ભયના કારણે અમે રાત્રે ખેતરે આવવાનું બંધ કરી દીધું છે.
આ પણ વાંચો : Chhota Udepur News : મોટા ભાઈના ખોળામાંથી નાના ભાઈને દીપડો ઉપાડી ગયો
દીપડાના હુમલાઓ : વર્ષ 2020માં દાહોદ જિલ્લાના ફતેપુરા જંગલોમાં ખેતરમાં કામ કરી રહેલા વ્યક્તિઓ પર દીપડાએ હુમલો કર્યો હતો અને એક યુવકની આંખ પણ ફોડી નાખી હતી. આમલીમેનપુર ગામે જંગલ તરફથી આવેલા દીપડાએ બાળકને ગળાના ભાગે પકડી લઇ 100 મીટર જેટલું ઢસડાતા પરિવારના લોકોએ બૂમાબૂમ કરતા દીપડો બાળકને છોડી ભાગી ગયો હતો. જોકે, અગાઉ પણ સુરતના ખજોદ ગામના કૂઈ મહોલ્લામાં આ દીપડો લટાર મારતા જોવા મળ્યો હતો.આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ખજોદ ગામમાં શુક્રવારે વહેલી સવારે દીપડો શિકારની શોધમાં તેમના સોસાયટીની અંદર આવી ગયો હતો.
આ પણ વાંચો : Navsari News : જીવ ના જોખમે કામ કરતા મજૂરો, દીપડાઓને ભગાડવા માટે અનોખો પ્રયાસ
દીપડાને ભગાડવાનો પ્રયાસ : નવસારીમાં પણ શેરડીના ખેતરોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બન્યો છે, ત્યારે શેરડીની કાપણી દરમિયાન કાપવા માટે આવતા મજૂરો પર ઘણીવાર દીપડાઓ દ્વારા હુમલો કરવામાં આવે છે. શેરડીના ખેતરમાં છુપાયેલા દીપડાઓને ભગાવવા માટે મજૂર અને ખેડૂતોએ થાળી લગાડવી, અવાજ કાઢવો વગેરે પ્રયોગો કરીને દીપડાઓને ભગાડી રહ્યા છે.