નવસારી: બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો વિરોધનો હવે બનાસકાંઠાની બહાર પણ પ્રસરી ગયો છે. નવસારી જિલ્લામાં રહેતા મોટી સંખ્યામાં ધાનેરા વાસીઓએ આજે બુધવારે સરકાર સામે બનાસકાંઠા જિલ્લાના વિભાજનના નિર્ણયનો સખત વિરોધ કરતા શહેરના ફુવારા વિસ્તારમાંથી એક રેલી યોજી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. લોકોએ રેલી સ્વરૂપે નવસારીના જિલ્લા કલેકટર કચેરીએ નિવાસી કલેકટરને આવેદન આપી પોતાની રજૂઆત કરી હતી.
નવસારીના માર્ગો પર 'ધાનેરાના માંગે ન્યાય'નો સુત્રોચ્ચાર
ધાનેરા તાલુકાના વિરોધનો રેલો નવસારી સુધી પોહચી ગયો છે, નવા સીમાંકનમાં બનાસકાઠાથી ધાનેરાને થરાદ જિલ્લામાં મૂકતા વિરોધ નોંધાયો છે, જેમાં નવસારીમાં વસવાટ કરતા 15 હજારથી વધુ ધાનેરાવાસીઓ મોટી સંખ્યામાં શહેરમાં રેલી કાઢી સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા.
સરકાર સામે લોકોનો ગણગણાટ
બનાસકાઠા અને ધાનેરાની ભૌગોલિક પરિસ્થિતિ એક બીજાને બિલકુલ અનુકૂળ રહેતા ધાનેરાના રહીશો દ્વારા નવા જિલ્લામાં સમાવેશનો વિરોધ કરી રહ્યાં છે. લોકોમાં ચર્ચા થઈ રહી છે કે, અમુક વ્યક્તિને રાજી રાખવા માટે નવું માળખું ગોઠવાયું છે.
વિરોધ કરી રહેલા લોકોની શું છે દલીલ ?
નવસારીમાં સ્થાયી થયેલા આગેવાન વિક્રમ પુરોહિતે આ અંગે જણાવ્યું હતું કે, 'બનાસકાઠાથી અલગ કરીને ધાનેરાને થરાદ જિલ્લામાં મૂકવાના આ નિર્ણયનો અમે વિરોધ કરીએ છીએ અને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે તેવી અમારી માંગ છે. સરકારે જે નિર્ણય કર્યો છે તેમાં લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે, જેનું ધ્યાન સરકારે રાખ્યું નથી.
તેમણે ઉમેર્યુ હતું કે, સરકારે ધાનેરાના વિદ્યાર્થીઓ, વેપારીઓ અને અન્ય લોકો પાલનપુર થી સીધા કનેક્ટ છે, અને પાલનપુર જવા આવવા માટે સીધી કનેક્ટિવિટી છે, સાથે લોકોને અનુકૂળતા પણ રહે છે. જો ધાનેરા તાલુકાને થરાદ જિલ્લામાં મૂકવામાં આવે તો લોકોએ ઘણી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે, કારણ કે થરાદ જવા માટે કનેક્ટિવિટી પણ ઓછી છે અને કોઈપણ કામ અર્થે ગયા હોય તો સાંજ પડતા રિટર્ન આવું ઘણું મુશ્કેલ બને છે'