સુરતઃ કામરેજ તાલુકાના ખોલવડ ગામેથી નવજાત બાળક મૃત અવસ્થામાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર ઘટનાની તપાસ કામરેજ પોલીસ સ્ટેશન કરી રહી છે. કામરેજ પોલીસે નવજાત બાળકના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં કરાવ્યું છે. હાલ બાળકનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં છે અને પોલીસ મૃત બાળકના વાલી વારસને શોધી રહી છે.
સમગ્ર ઘટનાક્રમઃ કામરેજના ખોલવડ ગામે અમૃત ઉદ્યોગ નગર વિભાગ 1માં આવેલા ખાતા નંબર 147 વિજય વિરોજાના નામે ભાડે છે. જયારે ખાતાના માલિક સરથાણામાં ઋષિકેશ એપાર્ટમેન્ટના એફ/2 ફ્લેટ નંબર 202 ખાતે રહેતા વિપુલ ભરોડીયાને મળવા ખાતા પર ગયા હતા. અહીં તેમણે ખાતાના પાછળના ભાગે કમ્પાઉન્ડ નજીક ટોળું ભેગુ થયેલું જોયું હતું. તેમણે સ્થળ પર જઈ તપાસ કરતા સમગ્ર વાતાવરણમાં દુર્ગંઘ ફેલાયેલ હતી. તેથી તેઓ સીડી વડે કમ્પાઉન્ડમાં ઉતર્યા. જ્યાં તેમણે કચરાના ઢગલામાં નવજાત બાળકનો મૃતદેહ હોવાનું માલુમ પડ્યું હતું.
પોલીસ કાર્યવાહીઃ ખાતાના માલિકે આ ઘટનાની જાણ કામરેજ પોલીસ સ્ટેશનમાં કરી હતી. જાણકારી મળતાં જ કામરેજ પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી. પોલીસે નવજાત બાળકના મૃતદેહનો કબ્જો લઈ સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું. પોલીસને જાણવા મળ્યું કે બાળક 9 મહિનાનું છે અને મેલ છે. આ બાળકના શરીરે ઈજાના કોઈ નિશાન નહતા. હાલ નવજાત બાળકના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં છે અને કામરેજ પોલીસ મૃત બાળકના વાલી વારસને શોધી રહી છે.
નવજાત બાળકના મૃતદેહનો કબ્જો કામરેજ પોલીસે લીધો હતો. મૃતદેહનું સુરત સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાયું છે. હાલ સમગ્ર કેસની તપાસ કામરેજ પોલીસ મથકના પીએસઆઈ પી. એમ. પરમાર કરી રહ્યા છે...મનોજભાઈ (એએસઆઈ, કામરેજ પોલીસ સ્ટેશન, સુરત)