સુરત: શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલ જાનકી પાર્ક સોસાયટીમાં નિરાલીબેન પટેલ છેલ્લા 17 વર્ષથી સુરતમાં સ્થાયી છે. સોસાયટીમાં આવેલ મકાનમાં તેઓ પોતાના પતિ સહિત 4 માસની બાળકી જોડે રહે છે. સુરતની ખાનગી હોસ્પિટલમાં તેઓ નર્સ તરીકેની ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમ્યાન હાલ ચાલી રહેલી કોરોનાની મહામારી વચ્ચે સોસાયટીના લોકો દ્વારા તેમના જોડે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ નિરાલીબેન દ્વારા કરવામાં આવ્યા છે.
નિરાલિબેને આક્ષેપ કરતા જણાવ્યું કે, બે તારીખના રોજ તેઓ હોસ્પિટલથી ઘરે પરત ફરતા સોસાયટીનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. બાદમાં સોસાયટીના પ્રમુખ સહિતના લોકોએ તેઓને સોસાયટીના પાછળના રસ્તેથી આવવાનું કહ્યું હતું. પરંતુ પાછળનો રસ્તાઓ એક મહિલા માટે અવરજવર કરવો યોગ્ય નથી. જેથી તેમણે મનાઈ ફરમાવી હતી.
સોસાયટીના લોકોને ભય છે કે તેણી હોસ્પિટલથી સોસાયટીમાં આવે છે અને કોઈને પણ રોગ લાગી શકે છે. જેના કારણે તેઓ દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. આ અંગે બાદમાં પોલીસ કમિશ્નરમાં લેખિતમાં ફરિયાદ આપી હતી. જ્યાં બાદમાં સોસાયટીનો ગેટ ખોલ્યો હતો. જો કે સોસાયટીના લોકો લખાણ માંગણી કરી રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિને ચેપ લાગશે તો તેના માટે નિરાલીબેન જવાબદાર રહેશે.
કોરોના વાઇરસની બીમારી કરતા લોકોએ પોતાની માનસીકતા બદલવાની અહીં જરૂર છે. જ્યાં એક પરિચારિક સાથે આ પ્રકારનો દુર્વ્યવહાર માનવતાને લજ્જાવે છે.