બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરી નવીન વાવ-થરાદ જિલ્લો બનાવ્યા બાદ આજે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય થરાદ આવતા તેમનું લાખણી, જેતડા અને થરાદમાં ઢોલ નગારા સાથે પુષ્પ વર્ષા કરી ફુલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરાયું હતું. થરાદમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું હતું કે, આ કોઈ વિભાજન નથી નવ નિર્માણ છે અને નવો જિલ્લો બનવાથી આ વિસ્તારમાં વિકાસ ઝડપી બનશે.
વાવ-થરાદ નવો જિલ્લો બન્યા બાદ થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ગાંધીનગરથી થરાદ આવતા લાખણીમાં મોટી સંખ્યામાં લોકો 101 ઢોલ તેમજ ફુલહાર લઈને તેમના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા. જ્યાં કન્યાઓ માથે બેડાં લઈને શંકર ચૌધરીનું સામૈયું કર્યું હતું.
શંકર ચૌધરીએ વિભાજનને લઈને કહ્યું કે, આ કોઈ વિભાજન નથી પણ નવ નિર્માણ છે. વાવ થરાદ જિલ્લો અલગ થવાથી મોટા પ્રમાણમાં ડેવલપમેન્ટ થશે, સરહદી વિસ્તારની ઝડપી કાયાપલટ થશે, વાવ-થરાદ સીધો અમદાવાદ અને પાટનગર સાથે કનેક્ટ થશે, બૃહદ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન નથી આ નવ નિર્માણ છે માટે વિભાજન કહેવું યોગ્ય નથી.
વિધાનસભાના અધ્યક્ષ થરાદ પહોંચ્યા બાદ થરાદની રેફરલ હોસ્પિટલ નજીક મુખ્ય માર્ગ ઉપર તેમનું જાહેરમાં સન્માન કરાયું હતું. જ્યાં થરાદ, લાખણી, વાવ, સુઇગામ, ભાભરના વિવિધ સંગઠનો, સામાજિક આગેવાનો, ભાજપના વિવિધ મંડળો, માર્કેટયાર્ડની કમિટીઓ સહિત લોકોએ ફુલહારથી સન્માન કર્યું હતું. તો ધાનેરા વિધાનસભાના 2022ના ભાજપના ઉમેદવાર અને ભાજપના આગેવાન ભગવાન પટેલ સહિત અનેક ધાનેરાના લોકોએ પણ ફુલહાર પહેરાવીને સન્માન કર્યું હતું. જેમાં બનાસકાંઠાના પૂર્વ સંસદ પરબત પટેલ સહિત, વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, ગોવા રબારી સહિત અનેક નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
અહીં લોકોનું અભિવાદન કરતા શંકર ચૌધરીએ કહ્યું હતું કે, આ જિલ્લા માટે પ્રધાનમંત્રીની વિશેષ લાગણી છે, તેઓ અહીં નર્મદાના નીર લાવ્યા, નાણી જોડે એરફોર્સ લાવ્યા, આ જિલ્લાનું વિભાજન નથી નવા જિલ્લાની નિર્માણ કર્યું છે. એટલે આ વિભાજનું કામ નથી નિર્માણ થયું છે. મા નવા બાળકને જન્મ આપે તો એ વિભાજન ન કહેવાય, આ વિસ્તારને વધુ આગળ લાવવા નિર્માણ કરાયું છે. આ જિલ્લાને આગળ લઈ જવાનો છે બધાએ સહયોગ કરવાનો છે, કોઈ પણ ખોટી કોમેન્ટ ન કરે, બીજા લોકો પણ અહીં જોડાવવા માંગે છે. રાજસ્થાનના લોકો અહીં જોડાવાનું કહે છે, સાંચોરના લોકો પણ અહીં આવવા માંગે છે, આંબો હોય તો કેરી આવે તો ઝૂકે છે આપણે પણ ઝૂકીને કામ કરવું છે. વાવ, દિયોદર, લાખણી, ધાનેરા, સુઇગામ, કાંકરેંજે વધુ કામ કરવાનું છે. બે કલેકટર થતા કામ ઝડપી થશે, પોલીસ, શિક્ષણ અને વિકાસનું કામ ઝડપી થશે. અહીં 40 થી વધુ કચેરીઓ આવશે, વાવ-થરાદ જિલ્લો બનતા અહીંના લોકોની વિશેષ જવાબદારી છે.
નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાનો શ્રેય શંકર ચૌધરીને આપીને લાખણી, થરાદ, સુઇગામ, ભાભર, વાવ સહિતના લોકોએ તેમનું સન્માન કર્યા બાદ સાથે શંકર ચોધરીએ ખાસ વાત ચિત કરતા કહ્યું હતું કે, આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન નથી નવ નિર્માણ છે. આ વિસ્તારે વર્ષોથી દુષ્કાળો સહન કર્યો છે, પ્રધાનમંત્રીએ અહીં નર્મદાનું પાણી લાવી. સુજલામ સુફલામ લાવી. એરફોર્સ લાવ્યા અને અહીંનો વિકાસ થયો છે. નવા જિલ્લાના નિર્માણના કારણે વિકાસના દરવાજા ખુલી ગયા છે. નવી કોઈપણ ઘટના કે નિર્માણ થતું હોય તો લોકો પોતાનો મત મૂકે અને એના ઉપર સરકાર નિર્ણય કરે છે. આંગડજીનું ધામ દિયોદર છે, તો તેમની ઈચ્છા હોય કે દિયોદર જિલ્લો બને, અહીં પણ ધરણીધર અને નડેશ્વરી આસ્થાથી જોડાયેલું છે. વાવ-થરાદ જિલ્લો બનવાથી કોઈ નારાજ છે જ નહીં દરેકને વાત કરવાનો અધિકાર છે. મીડિયા પ્રથમદિવસથી જ વિભાજન ચલાવીને ખોટો ભ્રમ ઊભો કરી રહી છે. વાવ-થરાદ જિલ્લાનું નવ નિર્માણ થતા અહીં ઝડપીથી વિકાસ થશે, આ નવો જિલ્લો બનતા કાંકરેજ, ધાનેરા અને દિયોદરનો પણ વિકાસ થશે. આ સીમાવતી વિસ્તાર છે અને હવે અહીં નવી તકો ઊભી થશે.