સુરતઃ ગેરકાયદેસર કામોને રોકવા ઠેર ઠેર પોલીસ ચોકીનું નિર્માણ થતું હોય છે. હવે તો પોલીસ ચોકીનું જ નિર્માણ ગેરકાયદેરસ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. સુરત શહેરના ભાઠેના ચાર રસ્તા પર એક પોલીસ ચોકી ગેરકાયદેસર બની રહી હોવાનું પૂર્વ કૉંગ્રેસી કોર્પોરેટર જણાવી રહ્યા છે. જ્યારે આ વિસ્તાર પોલીસ ચોકી બને અને કાર્યરત થાય તેની સામે સ્થાનિકોનો કોઈ વિરોધ નથી.
પોલીસ ચોકી ક્યાં બની રહી છે?: સુરત શહેરના ભાઠેના ચાર રસ્તા પાસે આવેલ બીઆરટીએસ કેનાલ રોડ પર એક ખાનગી સોસાયટીના માર્જિન પ્લેસ પર આ પોલીસ ચોકીનું નિર્માણ થઈ રહ્યું છે. આ પોલીસ ચોકીના નિર્માણને પરિણામે ટ્રાફિકની સમસ્યા વકરશે તેમ જણાવીને પૂર્વ કૉંગ્રેસ કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ મ્યુનિસિપલ કમિશ્નરને પણ રજૂઆત કરી છે. તંત્ર તરફથી ઝીરો દબાણ રુટ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત માર્ગો પરથી લારી ગલ્લા જેવા દબાણોને તંત્ર દૂર કરી રહ્યું છે. આ અભિયાને લઈને શહેરીજનોમાં ખુશી જોવા મળી રહી છે, પરંતુ તંત્રએ તાત્કાલિક ધોરણે પરવાનગી વગર બની રહેલ આ પોલીસ ચોકીનું બાંધકામ અટકાવવું જોઈએ તેમ પૂર્વ કૉંગ્રેસી કોર્પોરેટર કહી રહ્યા છે.
કાયદાનું પાલન સુપેરે થાય તે માટે પોલીસ ચોકી બને તે આવકાર્ય છે, પરંતુ ગેરકાયદેસર પોલીસ ચોકીનું આ નિર્માણકાર્ય અટકે તેવી કાયદેસરની કાર્યવાહી કરવી પણ જરૂરી છે. મહા નગર પાલિકાની કોઈપણ જાતની પરવાનગી વિના અહીં પોલીસ ચોકીનું બાંધકામ થઈ રહ્યું છે. આ પોલીસ ચોકીને ભારતનગર ડેપો ખાતે નિયમ મુજબ જગ્યા ફાળવણી કરાયા બાદ બાંધકામ થાય તે જરુરી છે... અસલમ સાયલકલવાળા(પૂર્વ કૉંગ્રેસી કોર્પોરેટર)
પોલીસ ચોકીની આવશ્યકતાઃ ભારતનગર ડેપો વિસ્તારમાં મોટા પાયે ટેક્સટાઈલ માર્કેટ્સ અને કોમર્શિયલ યુનિટ્સ છે. તેથી આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ ચોકીની જરુર છે. અહીંયા શાળા પણ હોવાથી વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતિ પણ અગત્યની છે. તેથી સ્થાનિકો અહીં પોલીસ ચોકી બને તેમ ઈચ્છી રહ્યા છે.
પોલીસ ચોકીના નિર્માણને લઈને અમારા તરફથી કોઈ વિરોધ નથી. પોલીસ ચોકી જનતાના રક્ષણ માટે બનાવવામાં આવી રહી છે. આ વિસ્તારમાં અપરાધિક ઘટનાઓ ન બને તે માટે અમે જ પોલીસ ચોકીની માંગણી કરી છે. અમે સોસાયટીની જગ્યા વાપરવા માટે લેખિતમાં આપ્યું છે...સુરેશભાઈ(સ્થાનિક, સુરત)
પોલીસ ચોકીના બાંધકામ અંગે અત્યાર સુધી કોઈ લેખિત પરવાનગરી આપવામાં આવી નથી...મનીષ ડોક્ટર(ડેપ્યૂટી કમિશ્નર, સુરત મહા નગર પાલિકા)