સુરતઃ શહેરમાં 5 વર્ષીય બાળકીને સામાન્ય તાવમાં મૃત્યુ થતા ચકચાર મચી જવા પામી છે. આ બાળકીને પાંચ દિવસથી સામાન્ય તાવ આવતો હતો. સ્થાનિક ડૉક્ટરની સારવાર છતા તબિયતમાં સુધારો થતો નહતો. પરિવાર બાળકીને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં ડૉક્ટરે બ્લડ રિપોર્ટ કરાવવાનું કહ્યું હતું. જો કે આ બ્લડ રિપોર્ટ આવે તે પહેલા જ બાળકીનું અચાનક મૃત્યુ થયું હતું.
સમગ્ર ઘટનાક્રમઃ સુરતના પર્વતગામ ખાતે રહેતા અને મૂળ ઝારખંડના વતની સંતોષ દાસ સુરત રેલવે સ્ટેશન પાસે હોટલમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. તેમની 5 વર્ષીય દીકરી તાન્યાને છેલ્લા 5 દિવસથી તાવ આવતો હતો. પરિવારે સ્થાનિક દવાખાને સારવાર કરાવી. જો કે 5 દિવસથી તાવ ઉતરતો ન હોવાથી પરિવાર બાળકીને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં હાજર તબીબે બાળકીનો બ્લ્ડ રિપોર્ટ કરાવવાનું કહ્યું હતું. જો કે બ્લડ રિપોર્ટ આવે તે પહેલાં જ બાળકી મૃત્યુ પામી હતી. સમગ્ર પરિવાર બાળકીના રહસ્યમયી મૃત્યુથી શોકમાં ગરકાવ થઈ ગયો હતો. હોસ્પિટલના ડૉક્ટરોની ટીમ પણ આ બાળકીના રહસ્યમય સંજોગોમાં થયેલા કરુણ મૃત્યુથી આશ્ચર્ય ચકિત થઈ ગઈ છે. આ બાળકીના મૃત્યુનું સાચુ કારણ શોધવા માટે ડૉક્ટરો પ્રયત્ન કરી રહ્યા છે.
બાળકીના માતા પિતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા. જેમાં બાળકીને તાવ હતો. જેથી ડૉકટરે બ્લડ રિપોર્ટ કઢાવવાનું જણાવ્યું હતું. જો કે બ્લ્ડ રિપોર્ટ આવે તે પહેલા બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક બાળકીનું મૃત્યુ કયા કારણથી થયું છે તેની અમે તપાસ કરી રહ્યા છે. ડૉ. શ્રુતિ, ડૉક્ટર, ન્યૂ સિવિલ હોસ્પિટલ, સુરત