સુરતઃ કેન્દ્ર સરકારે અકસ્માતના ગુનામાં ફરાર થઈ જતા ડ્રાઈવર્સ માટે નવી સજાની જોગવાઈ કરી છે. જેનો વિરોધ ઠેર ઠેર થઈ રહ્યો છે. ભારે અને કોમર્શિયલ વ્હીકલ્સના ડ્રાઈવર્સ માર્ગો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે આ સંદર્ભે ડુમસમાં ડ્રાઈવર્સ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સિટી બસ પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો. તેમજ પરિસ્થિતિને કાબૂમાં લેવા પહોંચેલી પીસીઆર વાનના પોલીસ કર્મી પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે 19 ડ્રાઈવર્સની ધરપકડ કરી લીધી છે.
100થી વધુ ડ્રાઈવર્સનું ઉગ્ર વિરોધ પ્રદર્શનઃ ડુમસના મગદલ્લા રોડ પર સરકારની નવી સજાની જોગવાઈનો વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં 100થી વધુ ડ્રાઈવર્સ એકત્ર થઈ ગયા હતા. જોત જોતામાં આ વિરોધ પ્રદર્શન ઉગ્ર બની ગયું હતું. ગુસ્સેલ ડ્રાઈવર્સે સિટી બસ પર પથ્થર મારો કર્યો હતો. તેમજ ડ્રાઈવરને નીચે ઉતારીને દોડાવ્યા હતા. આ ઘટનાની જાણ થતા પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જો કે ડ્રાઈવર્સનું બેકાબૂ બનેલું ટોળું પીસીઆર વાન તરફ ધસી ગયું અને તેમાં બેઠેલા એક પોલીસ કર્મીને નીચે ઉતારીને માર માર્યો હતો. જો કે આ પોલીસ કર્મીને સામાન્ય ઈજા થઈ હતી.
વિરોધ પ્રદર્શન ઉગ્ર કેમ બન્યું?: સુરત મહા નગર પાલિકા દ્વારા હડતાળ પર ઉતરેલ ડ્રાઈવર્સ પૈકી 50 ટકા ડ્રાઈવર્સને સિટી બસને ચલાવવા માટે મનાવી લેવામાં આવ્યા હતા. તેથી ડુમસમાં વિરોધ પ્રદર્શન કરતા ડ્રાઈવર્સ ગુસ્સે થયા હતા. વિરોધ પ્રદર્શન કરતા ડ્રાઈવર્સે સિટી બસ જોઈને તેમનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો. તેમણે ચક્કાજામને સફળ બનાવવા માટે સિટી બસ પર પથ્થર મારો કર્યો હતો. સિટી બસમાંથી ડ્રાઈવરને ઉતારીને દોડાવવામાં આવ્યા હતા.
પોલીસને ડુમસમાં સિટી બસ પર ડ્રાઈવર્સ દ્વારા હુમલો કરાયાના સમાચાર મળ્યા હતા. તાત્કાલિક પીસીઆર વાન 902 નંબર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જો કે બેકાબૂ ડ્રાઈવર્સે પીસીઆર વાનને ઘેરી લીધી તેમજ પોલીસ કર્મીને મૂઢ માર માર્યો હતો. આ હુમલામાં પોલીસે કુલ 19 ડ્રાઈવર્સની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ FIR દાખલ કરી હતી. આ ડ્રાઈવર્સ વિરુદ્ધ આઈપીસી કલમ 143, 147, 332, 341 અને 504 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે...રાજેશ પરમાર(ડીસીપી, સુરત)