નવસારી: કહેવાય છે કે, પૃથ્વીની ઉત્પતિ નાદ બ્રહ્મથી થઈ હતી. નાદ એક પ્રકારનું સંગીત છે અને પૃથ્વીની સજીવ સૃષ્ટિમાં સંગીત મહત્વની ભૂમિકા ભજવે છે. સંગીત મનુષ્યના મનના દરેક ભાવને જાગૃત કરવાની ક્ષમતા રાખે છે, જેથી સંગીત મનુષ્ય શરીર ઉપર પણ અસર કરે છે. આ પ્રાચીન જ્ઞાનને ધ્યાનમાં રાખીને નવસારીના ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. હેત્વી શુક્લએ આલ્ફા સંગીત સાથે શારીરિક કસરત કરાવવા ઉપર કરેલા સંશોધન દર્દીઓ માટે ફાયદારૂપ સાબિત થયું છે અને તેમને આ સંશોધને PhDની પદવી પણ અપાવી છે.
સારવાર માટે આલ્ફા સંગીતનો ઉપયોગ: આજની આધુનિક જિંદગીમાં બેઠાડું જીવન, અનિયમિત ખોરાક અને દોડભાગ શરીરના હાડકા ઉપર મોટી અસર કરે છે. જેને કારણે શરીરના અનેક સાંધા તેમજ કરોડરજ્જુને લગતી તકલીફ સામાન્ય બનતી જાય છે. ત્યારે શરીરને તંદુરસ્ત રાખવા માટે કસરત મહત્વનો ઉપાય છે. પરંતુ કસરત સાથે મનનો તાલમેલ પણ અત્યંત જરૂરી હોય છે. ત્યારે નવસારીના ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. હેત્વી શુક્લએ રોગની સારવારમાં આલ્ફા સંગીતનો ઉપયોગ કરવાનું વિચારી, મનના તરંગોને સકારાત્મક કરવા માટે વિશેષ પ્રકારના આલ્ફા સંગીતની લયનો ઉપયોગ કર્યા બાદ દર્દીને કસરત કરાવવાનો અભ્યાસ શરૂ કર્યો હતો.
ડો. હેત્વી શુક્લને PhDની પદવી એનાયત: ફિઝિયોથેરાપિસ્ટ ડો. હેત્વી શુક્લે શરીરમાં સામાન્ય રીતે જોવા મળતા પગના ઘૂંટણનો ઘસારો, કમરનો ઘસારો, ખભાનો ઘસારો તેમજ વિવિધ સંધિવા ઉપર પોતાનો અભ્યાસ કર્યો, જેમાં 120 દર્દીઓને પસંદ કરી, તેમના 60 - 60ના 2 ગ્રુપ બનાવ્યા હતા. જેમાં એક ગૃપને આલ્ફા સંગીત સાથે કસરત અને બીજા ગૃપને સંગીત વીના જ કસરત કરાવી હતી. 3 વર્ષ સુધીના તેમના આ સંશોધનમાં જે દર્દીઓને આલ્ફા સંગીત સાથે કસરત કરાવી હતી. એમાં ઓછા સમયમાં વહેલી રાહત મળી હતી. દરેક દર્દીની 8 સપ્તાહની સારવારમાં તેમણે ઇન્ફ્રારેડ કેમેરાનો પણ ઉપયોગ કરીને સંશોધનને સચોટ સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ડૉ. હેત્વીના આ સંશોધનાત્મક મહાનિબંધને રાજકોટની આર. કે. યુનિવર્સિટી દ્વારા માન્ય રાખી તેમને PhDની પદવી એનાયત કરવામાં આવી છે.
આલ્ફા સંગીતથી લોકોને ફાયદો: ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. હેત્વી શુક્લના સંશોધન મુજબ શરીરની સપાટી ઉપર સામાન્ય રીતે 22 થી 30 ડિગ્રી સુધીનું ટેમ્પ્રેચર હોય છે. પરંતુ જ્યારે સાંધામાં કે અન્ય કોઈ ભાગમાં સમસ્યા થાય, તો ટેમ્પ્રેચર 30થી વધી જતું હોય છે. કસરત થકી આ ટેમ્પ્રેચર ઘટાડવામાં લાંબો સમય જાય છે, પરંતુ આલ્ફા સંગીત થકી એને વહેલું ઘટાડી શકાય છે અને ત્યારબાદ કરેલી કસરત દુ:ખાવામાં પણ ફાયદો આપે છે, સાથે જ રિકવરી પણ વહેલી થાય છે. ડૉ. હેત્વી પાસે સારવાર લઈ રહેલા અનેક દર્દીઓ આલ્ફા સંગીત થકી તેમને વહેલી રિકવરી તેમજ દિવસ દરમિયાન પણ સ્ફૂર્તિ રહેતી હોવાના અનુભવો ધરાવે છે.
આલ્ફા સંગીત અસાધ્ય રોગમાં કારગર: આલ્ફા સંગીતને મનના સકારાત્મક તરંગો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આલ્ફા સંગીતની વિશેષ લય કેન્સર જેવા અસાધ્ય રોગમાં પણ જડીબુટ્ટી રૂપ સાબિત થઈ છે. ત્યારે સાંધા અને હાડકાના ઘસારામાં ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. હેત્વી શુક્લની આલ્ફા સંગીત સાંભળ્યા બાદ કસરતની થેરાપી એક નવી કેડી કંડારી રહી છે. વનસ્પતિ, પશુ, પક્ષીઓ ઉપર પણ પોતાની છાપ છોડતું હોય, ત્યારે મનુષ્ય ઉપર એની મોટી અસર થતી હોય છે. આલ્ફા સંગીત સાંભળ્યા બાદ ફિઝિયોથેરાપીની પદ્ધતિ અનેક દર્દીઓ માટે ફાયદારૂપ સાબિત થઈ છે. નવસારીના સત્ય સાઈ ફિઝિયોથેરાપી સેન્ટરમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઘણો ફાયદો જોવા મળ્યો છે.
સંગીત થકી દર્દીઓની મુશ્કેલીઓ દૂર થઈ: ઘૂંટણના ઘસારાને કારણે ચાલવામાં, સવારે પથારીમાંથી ઉઠીને ચાલવામાં કે પલાઠી વાળવામાં પણ મુશ્કેલી પડતી હતી એ દૂર થઈ છે. અન્ય એક દર્દીનું મોઢુ ખુલતું ન હતું, બોલી શકાતું ન હતું અને ખાવામાં પણ પ્રવાહી જ લેવું પડતું હતું. એમને પણ એક મહિનાની આલ્ફા સંગીત સાથે કરેલી કસરત બાદ મોઢેથી ખોરાક લેવા સાથે બોલવાનું પણ સરળ થયું છે. જેથી આલ્ફા સંગીત શરીરમાં સકારાત્મક તરંગો ઉત્પન્ન કરી, જે ભાગમાં બોડી ટેમ્પ્રેચર વધુ હોય એને ઓછું કરે છે.
આ પણ વાંચો: