જૂનાગઢ : સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવતા પ્રવાસીઓ માટે એક નવું નજરાણું ઉમેરાયું છે. પ્રાણીઓના આદાન-પ્રદાન કાર્યક્રમ અંતર્ગત જામનગરના રાધે કૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા પ્રાણી સંગ્રહાલયને આફ્રિકન પ્લેન ઝીબ્રા નર અને માદાની જોડી પ્રાપ્ત થઈ છે. આ ઝીબ્રા આફ્રિકા ઉપખંડના બોત્સ્વાના વિસ્તારમાં જોવા મળે છે.
સક્કરબાગ ઝૂમાં આફ્રિકન ઝીબ્રાનું આગમન : જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ઇતિહાસમાં પ્રથમ વખત આફ્રિકન પ્લેન ઝીબ્રા પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. પ્રાણીઓના આદાનપ્રદાન કાર્યક્રમ અંતર્ગત જામનગરના રાધે કૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને આફ્રિકન પ્લેન ઝીબ્રા નર અને માદાની એક જોડી પ્રાપ્ત થઈ છે.
પ્રવાસીઓ માટે નજરાણું, નર-માદા ઝીબ્રાની જોડી : સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ દિશા નિર્દેશો અનુસાર કોઈપણ પ્રાણીને પ્રવાસીઓના નિદર્શન માટે ખુલ્લા મુકતા પહેલા ક્વોરેન્ટાઇન પિરિયડમાં રાખવામાં આવે છે. આ નર અને માદા ઝીબ્રાનો ક્વોરન્ટાઈન પિરિયડ પૂરો થતા હવે તેમને પ્રવાસીઓના નિદર્શન માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. જે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવતા પ્રવાસીઓ માટે એક નવું નજરાણું સાબિત થશે. આફ્રિકન ઝીબ્રા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર પણ બનશે તેવો ભરોસો સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ડાયરેક્ટર અક્ષય જોષીએ માધ્યમમાં સમક્ષ વ્યક્ત કર્યો હતો.
અગાઉ આફ્રિકન ચિત્તા લવાયા હતા : બે દસકા પૂર્વે આફ્રિકન ચિત્તા પણ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ યોગ્ય અને અનુકૂળ વાતાવરણ ન મળતા તમામ ચિત્તાના મોત થયા હતા. ત્યારબાદ પ્રથમ વખત આફ્રિકન ઉપખંડમાં જોવા મળતા ઝીબ્રા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવ્યા છે. ઝીબ્રા સિવાય સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વિદેશમાં જોવા મળતા પક્ષીઓ અને પ્રાણીઓ પણ છે, પરંતુ ઝીબ્રાને પ્રથમ વખત લવાયા છે.
આફ્રિકન ઝીબ્રા ખાસિયત શું ? આફ્રિકન ઉપખંડમાં આફ્રિકન પ્લેન ઝીબ્રા અને માઉન્ટેન ઝીબ્રા એમ બે પ્રજાતિના ઝીબ્રા અસ્તિત્વ ધરાવે છે. જે પૈકી પ્લેન ઝીબ્રાને સક્કરબાગમાં લવાયા છે, તેની વિશેષ ઓળખ શરીર પર સફેદ અને કાળા પટ્ટા તથા ગરદન પર ટૂંકા અને ઉભા વાળ છે. ઉપરાંત આ ઝીબ્રા ગુચ્છાદાર પૂંછડી તથા ટૂંકા પરંતુ મજબૂત પગ ધરાવે છે. નર ઝીબ્રાનો વજન 210 કિલોથી લઈને 320 કિલો તથા માદા ઝીબ્રાનો વજન 175 કિલોથી લઈને 250 કિલો સુધી હોય છે. આફ્રિકન પ્લેન ઝીબ્રા મુખ્યત્વે તૃણાહારી પ્રાણી છે, જે મોટા ઝુંડ બનાવીને જંગલ વિસ્તારમાં રહે છે.
આફ્રિકન ઝીબ્રાની પ્રજાતિઓ અને ઓળખ : આફ્રિકન ઉપખંડમાં જોવા મળતા ગ્રીવ્ઝ ઝીબ્રા, જેને ઈક્વસ ક્વગ્ગા ગ્રેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. મેદાની ઝીબ્રાની પેટા જ્ઞાતિમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રીવ્ઝ ઝીબ્રા તમામ પ્રજાતિઓમાં સૌથી મોટી પ્રજાતિ છે, જે મુખ્યત્વે આફ્રિકન ઉપખંડના કેન્યા અને ઇથોપિયામાં જોવા મળે છે. તે શરીર પર પાતળા પટ્ટા અને સફેદ પેટ ધરાવે છે. જેના કારણે તે આકર્ષક દેખાય છે. લોકો પણ તેને સૌથી વધારે જોવાનું પસંદ કરે છે.
માઉન્ટેન ઝીબ્રા (ઇક્વસ ઝેબ્રા હાર્ટમેના)
માઉન્ટેન ઝીબ્રા મુખ્યત્વે દક્ષિણ આફ્રિકામાં જોવા મળે છે, જે મોટે ભાગે નામીબીયા અને અંગોલાના જંગલ વિસ્તારમાં રહે છે. પર્વતીય ઝીબ્રા તેના શરીર પર ખૂબ જ આકર્ષિત કરનારા પટ્ટા માટે જાણીતા છે. આ પટ્ટા ઝીબ્રાને પર્વતીય વિસ્તારમાં રહેવા માટે સુરક્ષા કવચની જ સાથે શિકારીઓથી બચવા માટેનું એક વિશેષ આવરણ તરીકે હથિયાર પૂરું પાડે છે. પર્વતીય ઝીબ્રા ખૂબ આસાનીથી ડુંગર પર આવ-જા કરી શકે છે, આથી તે માઉન્ટેન ઝીબ્રા (ઈક્વસ ઝેબ્રા હાર્ટમેના) તરીકે ઓળખાય છે.