સુરત: શહેરમાં ઘણા લોકો રખડતા શ્વાનના આતંકનો ભોગ બની રહ્યા છે. જ્યારે પણ રખડતા શ્વાન કરડે ત્યારે રસી મુકાવવી ફરજિયાત હોય છે. રસી મુકાવવા માટે વ્યક્તિએ નવી સિવિલ અથવા સ્મીમેર હોસ્પિટલ જવું પડતું હતું. પરંતુ હવે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 21 હેલ્થ સેન્ટર ઉપર ડોગ બાઈટ સામેની રસીની વ્યવસ્થા કરવામાં આવી છે.જે થકી હવે સુરતની જનતાને હોસ્પિટલની જગ્યાએ પોતાના ઘર નજીક આવેલ હેલ્થ સેન્ટરમાં રસી મુકાવી શકશે.
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ડોગ બાઈટના કેસો નોંધાય છે. જે લોકોને કૂતરું કરડે તો તેઓને તાત્કાલિક ધોરણે ARV રસી લેવી પડે છે. અત્યાર સુધી સુરતના નવી સિવિલ, સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલમાં રસી લેવા માટે જવું પડતું હતું. હાલમાં કુલ 21 હેલ્થ સેન્ટરો ઉપર આ પ્રકારની રસી આપવામાં આવશે. જેથી ડોગ બાઈટના કોઈ પણ વ્યક્તિ કે બાળક હોય તેઓને નજીકના હેલ્થ સેન્ટરોમાં રસીની સુવિધા મળી રહે.-- ડો.રિતિકા પટેલ (નાયબ આરોગ્ય અધિકારી,સુરત મહાનગરપાલિકા)
21 હેલ્થ સેન્ટ પર સુવિધા : ડો.રિતિકા પટેલે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના 21 હેલ્થ સેન્ટરો ઉપર આ પ્રકારની રસી આપવામાં આવશે. જેમાં શહેરના મોટા વરાછા, નાના વરાછા, નવાગામ ડિંડોલી, ઉધના, ભેસ્તાન, પનાસ, ઉમરા, ડુમ્મસ, અલથાણ, ઉન, પાંડેસરા, લિંબાયત, ભાઠેના, વડોદ, બમરોલી, અમરોલી, કતારગામના હેલ્થ સેન્ટરોમાં રસીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તે ઉપરાંત નવી સિવિલ હોસ્પિટલમાં અલગથી એક વોર્ડ પણ થોડા સમય પૂર્વે ચાલુ કરી દેવામાં આવ્યો હતો.
શ્વાનનો ત્રાસ : ઉલ્લેખનિય છે કે, સુરતના ખજોદ વિસ્તારમાં શ્વાન કરડવાથી બે વર્ષીય બાળકીનું સારવાર ચાલ્યા બાદ મૃત્યુ નીપજ્યું હતું. બાળકીના શરીર પર ડોગ બાઈટના 30થી વધુ ઘા મળી આવ્યા હતા. અન્ય એક કિસ્સામાં નવી સિવિલ હોસ્પિટલમાં 62 વર્ષના વૃદ્ધમાં હડકવાના લક્ષણો જોવા મળ્યા હતા. ટૂંકી સારવાર બાદ આ વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું છે. આ વૃદ્ધને ત્રણથી ચાર મહિના પહેલા એક શ્વાને બચકા ભર્યા હતા. રખડતા ઢોર બાદ શેરીઓમાં શ્વાન ત્રાસ વધી રહ્યો છે. આ પહેલા સુરતમાંથી જ સોસાયટી કમ્પાઉન્ડમાં રમતી બાળકી ઉપર શ્વાને હુમલો કર્યો હતો.