સુરત : સુરત શહેરના ડીંડોલી ખાતે આવેલા નવાગામ રેલવે ટ્રેક નજીક રાજા નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. મૃતક મજૂરીકામ કરતો હતો. સામાન્ય બોલાચાલીમાં અસામાજિક તત્વો દ્વારા યુવકની હત્યા કરવામાં આવી હતી. 31 ડિસેમ્બરના રોજ રાત્રિ દરમ્યાન 22 વર્ષીય રાજા પોતાના મિત્રો રેલ્વે ટ્રેક નજીક બેઠો હતો ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા લોકોએ તેમના નજીકથી રિક્ષા કાઢી હતી. જેથી રાજાએ તેમને કહ્યું હતું કે રિક્ષા સારી રીતે ચલાવો. આ બાબતે રાજાના મિત્રો અને રિક્ષામાં બેસેલા લોકો સાથે બોલાચારી પણ થઈ હતી. રિક્ષામાં આવેલા લોકો ચાલ્યાં ગયાં હતાં. પરંતુ થોડીક વાર બાદ અન્ય લોકો સાથે તેઓ ફરીથી રેલવે ટ્રેક નજીક પહોંચ્યા હતા અને કહ્યું હતું કે 'તે મારી રિક્ષા શા માટે રોકી?'
ધારદાર ચપ્પુ વડે હુમલો : વિવાદ વધતા છ જેટલા હુમલાખોરોએ ડંડા અને ધારદાર ચપ્પુ વડે ત્યાં બેઠેલા રાજા સહિત અન્ય લોકો પર હુમલો કર્યો હતો. જેમાં રાજા ઇજાગ્રસ્ત થતા તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતક રાજાની પાંચ બહેનો છે અને એક ભાઈ છે. મજૂરી કરી પરિવારના ગુજરાનમાં મદદ કરતો હતો. અસામાજિક તત્વોની દાદાગીરીના કારણે તે મૃત્યુ પામ્યો છે ત્યારે હાલ સમગ્ર ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી ત્રણ લોકોની અટકાયત કરી છે.
મૃતકના સંબંધીનું નિવેદન : મૃતક રાજાના સંબંધી અશોકભાઈ મારવાડીએ જણાવ્યું હતું કે, મહાદેવ પાર્ક વિશ્વકર્મા મંદિર નજીક અમે બેસ્યાં હતાં. રિક્ષાચાલક સાથે બોલાચાલી થઈ હતી. એક કલાક પછી છ જેટલા લોકો ફરીથી આવ્યાં. કીધું મારી રીક્ષા કોણે રોકી ? મને ડંડાથી માર્યો અને રાજાને ચપ્પુથી માર મારવાની શરૂઆત કરી. આ લોકોને અમે ઓળખતાં નથી પરંતુ એકનું નામ ઉદય ઉર્ફે ગોલુ છે.
ત્રણ લોકોની અટકાયત : ડીંડોલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર. જે. ચૂડાસમાએ ટેલીફોનિક વાત કરતા જણાવ્યું હતું કે, ડીંડોલી પોલીસ મથક વિસ્તાર ખાતે આવેલ નવાગામ રેલવે ફાટક નજીક બાબતે બે જૂથ વચ્ચે વિવાદ સર્જાયો હતો. જેમાં ચપ્પુ વડે રાજા નામના ઈસમની હત્યા કરવામાં આવી છે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલ તપાસમાં જાણવા મળ્યું છે કે રિક્ષા રોકવા બાબતે વિવાદ સર્જાયો હતો.