સુરત : વરાછા વિસ્તારમાં ધોરણ 11 માં ભણનાર વિદ્યાર્થીનીને તેના જ શિક્ષકે બ્લેકમેલ કરી મધરાત્રે બોલાવી તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ વિકૃત શિક્ષક સામે આખરે કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે.
વિકૃત શિક્ષક : સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતી 43 વર્ષીય મૂળ અમરેલીની વતની મહિલાની દીકરી ધોરણ 11 માં ભણે છે. મહિલાના પતિ હીરાના કારખાનામાં જોબ કરે છે અને તેમનો એક પુત્ર પણ છે. 30 સપ્ટેમ્બરના રોજ મહિલાની દીકરી પિતરાઈ બહેન અને તેના ફિયાન્સ સાથે ફરવા માટે ગઈ હતી. મોડી રાત સુધી દીકરી પરત નહીં આવતા માતાને ચિંતા થઈ હતી. માતાએ દીકરીની પૂછપરછ કરવા ભત્રીજાને કોલ પણ કર્યા હતા. પરંતુ તેઓને જાણવા મળ્યું હતું કે, દીકરી એકલી જ ઘરે જવા માટે નીકળી ગઈ હતી. જોકે તેમની પુત્રી ઘરે પરત આવી નહોતી.
એક સગીર વયની વિદ્યાર્થીની સાથે તેના જ શિક્ષકે શારીરિક અડપલાં કર્યા છે. તે અંગેની ફરિયાદના આધારે અમે શિક્ષકની ધરપકડ કરી છે. 20 વર્ષીય મહેશ મનસુખ ગોંડલીયા સુરસ્યાના પુના વિસ્તાર ખાતે આવેલા જય અંબે બિલ્ડીંગ ખાતે રહે છે. તેને જુદી જુદી જગ્યાએ મળવા બોલાવી વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હતા પોલીસે છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ગણિતના શિક્ષક મહેશની ધરપકડ કરી છે. -- વી.આર. પટેલ (ACP, સુરત પોલીસ)
શારીરિક અડપલા કર્યા : માતા-પિતા દીકરીની શોધખોળ કરી રહ્યા હતા. તે દરમિયાન દીકરી ખોડીયારનગર રોડ પરથી મળી આવી હતી. જ્યારે માતા-પિતાએ તેની પૂછપરછ હાથ ધરી ત્યારે તેણે જણાવ્યું હતું કે, તેના શાળાના શિક્ષક મહેશ ગોંડલીયા છેલ્લા બે મહિનાથી તેને કોલ કરી હેરાન કરી રહ્યા હતા. ઉપરાંત તેને વારંવાર મળવા માટે બોલાવતા હતા. એટલું જ નહીં તે મળવા નહીં જાય તો શિક્ષક મહેશ દ્વારા હાથની નસ કાપવાની અને મરી જવાની ધમકી પણ આપી હતી. દીકરીએ જણાવ્યું કે, સરના બોલાવવા પર તે ગઈ હતી. તેના શિક્ષકે તેની સાથે અડપલા કર્યા હતા. આ અંગે વિદ્યાર્થીનીના માતા-પિતાએ કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધી આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.