સુરત : સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે એક યાત્રીને એક કરોડથી વધુની કીમતના રફ હીરા સાથે ઝડપી પાડ્યો છે. યાત્રીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેને 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. યાત્રી હીરા સુરતથી વાયા દુબઈ અને ત્યાર પછી આફ્રિકા મોકલવાનો હતો. આરોપી સુરતના વરાછા વિસ્તાર ખાતે રહે છે. ભાઈ પહોંચીને તે અન્ય એક કેરિયરને આ હીરો સોંપવાનો હતો.
ગોલ્ડ બાદ હીરાની દાણચોરી વધી : 30 દિવસમાં ચાર વખત ગોલ્ડ સ્મગલિંગ કેસ સુરત એરપોર્ટ પર નોંધાઈ ચૂક્યાં છે. ત્યારે હવે બેફામ થયેલા આ દાણચોરીની નવી ઘટના સામે આવી છે. આમ તો દુબઈથી સુરત સોનાની દાણચોરી કરવામાં આવતી હતી પરંતુ પ્રથમ વાર સુરત એરપોર્ટથી દુબઈ રફ હીરાની સ્મગલિંગ ઝડપી પાડવામાં આવી છે.
સ્કેનિંગ મશીન સિગ્નલ મળ્યું : બુધવારે શારજાહની ફ્લાઇટ સુરત એરપોર્ટ આવે તે પહેલાં આજે કસ્ટમના અધિકારીઓ મુસાફરોનું ચેકિંગ કરી રહ્યા હતાં. દરમિયાન 32 વર્ષના જીગ્નેશ મોરડીયા પોતાની ટ્રોલી અને એક બેગ સાથે એરપોર્ટ પર પહોંચ્યો હતો. તેણે પોતાનો લગેજ સ્કેનિંગ મશીનમાં મૂક્યું ત્યારે બેગની અંદર મેટલ હોવાનું સિગ્નલ અધિકારીઓને મળ્યું હતું તેથી તેની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
4910 કેરેટના રફ હીરા : જીગ્નેશ મોરડીયાએ ટ્રોલીના પકડવાના હેન્ડલમાં છેક નીચે બાજુ 4910 કેરેટના રફ હીરા જેની બજારમાં કુલ કિંમત 1.10 કરોડ છે તે મૂક્યા હતાં જેને કસ્ટમના અધિકારીઓએ જપ્ત કર્યા છે. આરોપી રત્ન કલાકાર હોવાનું જણાવી રહ્યો છે અને હાલ કામની શોધમાં હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ડાયમંડ સિટી સુરતમાં રફ હીરા ઈમ્પોર્ટ કરવામાં આવે છે અને આ રફ હીરા આવ્યા બાદ તેને પોલિશ કરી એક્સપોર્ટ કરવામાં આવતા હોય છે. તેની પૂછપરછ હાથ ધરવામાં આવી ત્યારે અધિકારીઓને જાણ થઈ હતી કે આ હીરાને સુરતથી દુબઈ અને ત્યાંથી હિતેશ ઝીંઝાવદર નામના વ્યક્તિને આપી આ હીરાને આફ્રિકા પહોંચાડવાનો સમગ્ર ખેલ હતો.
આરોપીનું ઘર બંધ મળ્યું હતું : કસ્ટમના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે પકડાયેલા રફ હીરા સુરતના કયા ઉદ્યોગકારના છે. આરોપીના ઘરે કસ્ટમ વિભાગ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. જોકે દરોડા દરમિયાન આરોપીનું ઘર બંધ મળ્યું હતું. કસ્ટમ વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીગ્નેશનો એક ભાઈ આફ્રિકામાં પણ રહે છે. નિયમ મુજબ રુપિયા 50,000 થી વધુનું જો બિલ હોય તો કસ્ટમ વિભાગ તેને જપ્ત કરી શકે છે.