સુરત : પાંડેસરાના વડોદ ગામમાં શ્રીરામનગરમાં રહેતા દંપતિએ તેના ઘરની સામે રહેતી અન્ય સમુદાયની મહિલાના ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરી લઈને નાસી ગયા હતાં. આ કેસમાં પાંડેસરા પોલીસની એક ટીમ પંજાબના લુધિયાણા ખાતે પહોચી હતી અને બાળકનું અપહરણ કરી જનાર શાવ દંપતિને ઝડપી લઈને બાળકને હેમખેમ છોડાવીને છે. પોલીસને આરોપી દંપતિએ જણાવ્યું હતું કે તેઓ નિસંતાન છે અને બાળકની માતા તેની યોગ્ય કાળજી લેતી નહોતી જેથી તેઓ બાળકને લઈ સુરતથી નીકળી ગયા હતાં.
આ કેસમાં સીસીટીવી કેમેરાના આધારે પાંડેસરા પોલીસે તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસને એવી હકીકત મળી હતી કે જીતેન્દ્ર અને તેની પત્ની બાળકને લઈને પંજાબના લુધિયાણા ખાતે છે. જેના આધારે પાંડેસરા પોલીસની એક ટીમ લુધિયાણા ખાતે ગઈ હતી અને શાવ દંપતિને ઝડપી પાડીને બાળકને છોડાવી લીધું હતું. શાવ દંપતિ નિસંતાન છે. તેઓએ જણાવ્યું હતું કે બાળકની માતા બાળકની કાળજી યોગ્ય રીતે કરતી ન હતી જેથી તેઓ આ બાળકને લઈને લુધિયાના નીકળી ગયા હતાં...ઝેડ. આર. દેસાઈ ( એસીપી )
પહેલાં પણ બાળકને આપી દેવા કહ્યું હતું : પાંડેસરાના ગણેશનગર વડોદ ગામ ખાતે આવેલા શ્રીરામનગરમાં યુપીની અન્ય સમુદાયની મહિલા તેના બે સંતાનોની સાથે રહે છે. જયારે તેના ઘરની સામે જ જીતેન્દ્ર શાવ અને તેની પત્ની રહે છે. જીતેન્દ્રની પત્ની અવારનવાર નાઝના ઘરે આવતી હતી અને નાઝના બાળકોને રમાડતી હતી. જીતેન્દ્ર શાવને છ અને ચાર વર્ષની બે પુત્રીઓ પણ છે. જોકે જીતેન્દ્રની પત્નીએ થોડા દિવસો અગાઉ મહિલાને એમ કહ્યું હતું કે તારો પુત્ર જેની ઉંમર માત્ર 3 જ વર્ષ છે તે મને વેચવો છે?
અપહરણની ફરિયાદ નોંધાવી : ત્યારે તેને મહિલાએ ના પાડી હતી અને કહ્યું હું તો મજાક કરું છું. જોકે ગઈ તા. 15મીના રોજ સવારના સમયે જીતેન્દ્રની પત્ની મહિલાના ઘરે ગઈ હતી અને એમ કહ્યું હતું કે અમે બહાર જઈએ છીએ તો તારા બાળકને સાથે લઈ જઈએ બે કલાકમાં પાછા આવી જઈશું એમ કહ્યું હતું. મહિલાએ પહેલા આનાકાની કરી હતી પણ જીતેન્દ્રની પત્નીએ જીદ કરતા બાળકની માતાએ તેના પુત્રને શાવ દંપતિ સાથે મોકલી આપ્યો હતો. ત્રણથી ચાર કલાક થઈ જવા છતાં પણ જીતેન્દ્ર અને તેની પત્ની બાળકને લઇને પરત ન આવતા મહિલાએ જીતેન્દ્રને ફોન કર્યો હતો, પણ તેનો ફોન બંધ આવતા તે ડરી ગઈ હતી. આ બાબતે પાંડેસરા પોલીસ મથકમાં જીતેન્દ્ર શાવ અને તેની પત્નીની સામે બાળકના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.