સુરત : સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત છે. શહેરના અમરોલી વિસ્તાર ખાતે આવેલા કોસાડ આવાસમાં નવરાત્રી દરમિયાન બે સગા ભાઇઓની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. પાર્કિંગ બાબતે થયેલ ઝઘડામાં સગા ભાઈઓએ અન્ય બે સગા ભાઈઓએ મિત્ર સાથે મળી હત્યા કરી નાખી છે પોલીસે આ ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કોસાડ વિસ્તાર ખાતે આવેલા આવાસ નંબર પાંચમાં નવરાત્રી દરમિયાન શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન મૃતક રાહુલની બોલા ચાલી દીપક સાથે પાર્કિંગ બાબતે થઈ હતી. ઝઘડો વધતાં આરોપી દીપક પોતાની સાથે ભાઈ અને મિત્રોને લઈ આવ્યો હતો અને તે દરમિયાન રાહુલના પણ ભાઈ ત્યાં હાજર હતાં. આરોપીઓએ ચપ્પુના ઘા ઝીંક રાહુલ અને પ્રવીણની હત્યા કરી નાખી હતી. આરોપી દીપક હત્યા કર્યા બાદ પોતાના ઘરે ગયો અને બહારથી લોક લગાવીને અંદર સંતાઈ ગયો હતો. ત્રણેય આરોપીની ધરપકડ કર્યા બાદ વધુ તપાસ હાથ ધરી છે... આર. પી. ઝાલા ( એસીપી )
રસ્તો બંધ થવાની માથાકૂટ : શહેરના કોસાડ આવાસમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આવાસના લોકો ત્યાં થોડા સમય બાદ ગરબા રમવાના હતાં તે પહેલાં જ ત્યાં શોકનો માહોલ સર્જાઈ ગયો. શેરી ગરબા માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ કેટલાક લોકો ત્યાંથી પસાર થવા માંગતા હતા અને પોતાના વાહન ત્યાં પાર્ક કરી રહ્યા હતા. જેથી ત્યાંના સ્થાનિક રાહુલે તેમને ત્યાંથી વાહન લઈ પસાર થવા માટે ના પાડી હતી. સાથે વાહન ત્યાં પાર્ક ન કરવા માટે કીધું હતું. આ કારણે રાહુલ અને અન્ય વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. જો કે થોડીક વારમાં સમાધાન પણ થઈ ગયું હતું.
ત્રણ આરોપીએ કરી હત્યા : જોકે અડધો કલાક બાદ આરોપી દીપક પોતાના ભાઈ બબલુ અને મિત્ર કરણ, અજ્જુ સાથે ત્યાં પહોંચી ગયો હતો અને ફરીથી તેમના વચ્ચે બબાલ થઈ હતી. આરોપીઓએ રાહુલ પીપળે અને તેના ભાઈ પ્રવીણ પીપળીની છરીના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. આરોપીઓ હત્યા કર્યા બાદ ત્યાંથી નાસી ગયા હતાં. જોકે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. રાહુલ મોચી કામ કરતો હતો જ્યારે તેનો ભાઈ પ્રવીણ હીરા ઉદ્યોગમાં નોકરી કરતો હતો.