સુરત : હાલમાં દેલાડ ચીકુવાડીમાં રહેતા સગાભાઈ પ્રમોદ બહેરાને એક વર્ષ પહેલા વતન ઓરિસ્સામાં તેની પત્ની સાથે પ્રેમસંબંધ મામલે થયેલા ઝઘડામાં તેના સગાભાઈ અશોક બહેરાએ માથામાં લોખંડની પ્લેટના ફટકા મારી ફરાર થઇ ગયો હતો. આ આરોપી સાયણ આવતા જ પોલીસે દબોચી લીધો છે.
30 જૂને બની હતી ઘટના : વિગત મુજબ ઓલપાડ તાલુકાના દેલાડ ગામની ચીકુવાડી ફટકા મશીન કંપનીના રૂમમાં મૂળ ઓરિસ્સા રાજ્યના ગંજામ જિલ્લાનો વતની પ્રમોદ કિશોરચંદ્ર બહેરા રહેતો હતો. પ્રમોદને તેના સગા ભાઈ અશોક ઉર્ફે મંગલ ઉર્ફે પુનમચંદ્ર કિશોરચંદ્ર બહેરાને 30 જૂને રાત્રે એક વાગ્યે ઊંઘમાંથી ઉઠાડી માથામાં લોખંડનો ફટકો મારી ઇજા પહોંચાડી ફરાર થઇ ગયો હતો.
આડાસંબંધ બાબતે હુમલો : ઈજાગ્રસ્ત પ્રમોદ બહેરાએ તેના સગાભાઇ અશોક વિરુદ્ધ ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે આજથી એક વર્ષ પહેલા અમે બન્ને વતનમાં હતા ત્યારે અશોકની પત્ની સાથેના પ્રેમસંબંધ બાબતે તેની સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. જેની અદાવતમાં મારા સગાભાઈ અશોકે મારા ઉપર લોખંડની પ્લેટના ફટકા મારી હુમલો કરી મને ઇજા પહોંચાડી હતી.
સાયણ આવતાં બાતમી મળી : ફરાર આરોપી અશોક અંગે સાયણ આઉટ પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે, આ ગુનામાં છેલ્લા બે મહિનાથી નાસતો ફરતો આરોપી અશોક ઉર્ફે મંગલ ઉર્ફે પૂનમચંદ્ર કિશોરચંદ્ર બહેરા હાલમાં સાયણ ખાતે જીવનરક્ષા હોસ્પિટલ નજીક રહેતા સેતુભાઇ બહેરાની રૂમમાં આવ્યો છે. જ્યાં પોલીસ ટીમે છાપો મારી અશોક બહેરાની ધરપકડ કરી હતી.
આ મારામારીના ગુનામાં આરોપી ઘટનાને અંજામ આપી ભાગી ગયો હતો. ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ આરોપીને દબોચી લીધો છે. તેઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે...વી. કે. પટેલ (ઓલપાડ પોલીસ મથક)
કામરેજ પોલીસે મોપેડ ચોરને ઝડપી લીધો : સુરત પોલીસની અન્ય કામગીરીની વાત કરીએ તો ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે કામરેજ પોલીસ મથકના પીએસઆઈ વી.આર ઠુમ્મર દ્વારા ટીમ બનાવી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે કામરેજ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આજથી બે દિવસ પહેલા સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એકટીવાની ચોરી કરનાર ઇસમ સમીર અમીન હુસેનભાઈ શાહે કામરેજના આંબોલી ગામ પાસે આવેલ માન સરોવર રેસીડેન્સીના ગેટ નજીક ઊભો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ આરોપીને ચોરી કરેલ બાઈક સાથે દબોચી લીધો હતો. આ કેસમાં હાલ કામરેજ પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.