સુરત ક્રાઈમ બ્રાન્ચે કચ્છ એક્સપ્રેસમાં થયેલી દિલધડક લૂંટનો ભેદ ઉકેલી કાઢયો છે. 30 નવેમ્બરના રોજ વલસાડ જિલ્લાના ડુંગરી ફાટક પાસે ચાલુ ટ્રેન કચ્છ એક્સપ્રેસમાં લૂંટારું ગેંગ દ્વારા આંગડિયા પેઢીની ચકચારી લાખોની લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. લૂંટારૂઓ આ ઘટનાને અંજામ આપવા માટે યોજનાબદ્ધ રીતે કાવતરું રચ્યું હતું. રિવોલ્વર, પિસ્તોલ અને તમંચા સાથે વલસાડ રેલવે સ્ટેશનથી આ લૂંટારુઓ કચ્છ એક્સપ્રેસમાં બેસી ગયા હતા. તેઓને અગાઉથી જાણ હતી કે, કયા કોચમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ બેસ્યા છે. જેથી ખૂબ જ સહેલાઈથી તેઓએ હથિયારનાં નોક પર આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાની તપાસ વલસાડ રેલવે પોલીસ સહિત જીઆરપી પોલીસ કરી રહી હતી. જો કે આ ગુનાનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢી સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટનાક્રમમાં મૂળ બિહારના રાજુ બિહારી અને તેના અન્ય સાગરિતો સામેલ છે. આ તમામ રીઢા ગુનેગારો છે અને અગાઉ પણ દક્ષિણ ગુજરાતમાં અનેક ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે. રાજુ બિહારી જે આ સમગ્ર ઘટનાનો માસ્ટરમાઈન્ડ છે. તે અગાઉ આંગડિયા પેઢીમાં કામ કરી ચૂક્યો છે, જેથી તેને અંદાજ હતો કે કર્મચારી કેવી રીતે કામ કરે છે. જેથી યોજના બદ્ધ રીતે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.
સૌથી અગત્યની વાત છે કે, આ તમામ લૂંટારુઓ જાણતા હતા કે કેવી રીતે ટ્રેનને રોકવામાં આવે..? રાજુ બિહારી અને તેના સાગરીતોએ માત્ર એક સિક્કાના માધ્યમથી તેઓએ ટ્રેનના સિગ્નલમાં ફેરફાર કરી ટ્રેનને ધીમી પાડી દીધી હતી. ત્યારબાદ લૂંટ કરી આ લોકો ટ્રેન ધીમી પડતા નાસી જ ગયા હતા. આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચે આ લૂંટની ઘટનાના આરોપીઓની મળેલી બાતમીના આધારે ડીંડોલી વિસ્તારમાંથી ઝડપી પાડયા હતા.
આરોપીઓના નામ
- રાજુ ઉર્ફે બિહારી વિશ્વનાથ શર્મા
- રોનીક ભીમજીભાઈ મોરડીયા
- વિરેન્દ્રકુમાર ઉર્ફે પીન્ટુ સિંગ
- હિતેશ પટેલ
- ગુલશન પટેલ
- નિરવકુમાર લાડ
- નીરજ કુમાર પટેલ
આરોપી પાસેથી સોનાના 10 બિસ્કિટ (100 ગ્રામ વજનના) જેની કિંમત 39,68,500 રુપિયા, સોનાના દાગીના વજન 769 ગ્રામ કિંમત 30,51,300 રુપિયા, ચાંદી વજન 4 કિલો 203 ગ્રામ છે જેની કિંમત કિંમત 94,500 રુપિયા, હીરાના પેકેટની કિંમત 36,000 રુપિયા અને રોકડા રૂપિયા 15,36,000 મળી કુલ કિંમત 86,85,300ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આરોપી પાસેથી તમંચા નંગ-2, રિવોલ્વર નંગ-1, પિસ્તોલ નંગ-1, 14 કારટીસ અને 1 કાર પણ જપ્ત કરવામાં આવી છે.
લૂંટમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હથિયારો સાથે લૂંટ કરવા જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા રાજુ બિહારી ગેંગને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. બીજી તરફ જાણવા મળ્યું છે કે, આરોપી રાજીવ ઉર્ફે રાજુ બિહારી વિશ્વનાથ શર્મા 6 અલગ-અલગ ગુનામાં વોન્ટેડ હતો.
આ અગાઉ બાર જેટલા અલગ-અલગ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં તેની ધરપકડ પણ થઈ ચૂકી છે. જ્યારે આરોપી રોનીક ઉર્ફે રાજાવિજય ભીમજીભાઈ મોરડીયા દસ ગુનામાં સામેલ હોવાની હકીકત બહાર આવી છે. તેવી જ રીતે આરોપી નીરવ ઉર્ફે શંભુ દલપતભાઈ લાડ બે ગુનામાં વોન્ટેડ છે અને આરોપી ગુલશન ઉર્ફે ટીફૂ દેવેન્દ્ર સિંહ પટેલ અગાઉ એક ગુનામાં વોન્ટેડ હતો. જ્યાં આરોપી નીરજ કુમાર ઉર્ફે સુપર છોટેસિંહ પટેલ એક ગુનામાં વોન્ટેડ હતો. ત્યારે આરોપીઓની તપાસ દરમિયાન અન્ય ગુનાઓનો ભેદ ઉકેલાઈ તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.