બારડોલી : એક વર્ષ અગાઉ માંડવી તાલુકાના એક ગામમાં 8 વર્ષની બાળકીની એકલતાનો લાભ લઇ 21 વર્ષીય યુવકે તેના જ ઘરમાં બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. બાળકીના પરિવારજનોએ યોગ્ય ન્યાય આપવા બદલ કોર્ટ અને સરકારી વકીલનો આભાર વ્યક્ત કર્યો હતો.
નામદાર કોર્ટે અમારી દલીલો સાંભળી તેમજ પોલીસે રજૂ કરેલા પુરાવાઓને ધ્યાનમાં લઈ આરોપીને દોષિત જાહેર કર્યો છે. જેના આધારે આરોપીને 20 વર્ષની સજા આપવામાં આવી છે...નીલેશ પટેલ સરકારી વકીલ
બે વખત બળાત્કાર કર્યો : માંડવી તાલુકાનાં એક ગામમાં શ્રમિક પરિવારની ધોરણ 4માં અભ્યાસ કરતી આઠ વર્ષીય બાળકી સાથે તેના જ ગામનો 21 વર્ષીય યુવક નિકુંજ ઉર્ફે ભલો જાગેશ ચૌધરી વેકેશનના સમયે એકલતાનો લાભ લઈ વારંવાર અડપલાં કરતો હતો. ગત 31-7-2022ના રોજ બાળકી ઘરમાં એકલી હતી ત્યારે તેણે બાળકીની મરજી વિરુદ્ધ તેનું શારીરિક શોષણ કર્યું હતું અને બે વખત બળાત્કાર ગુજાર્યો હતો.
દાદીને જાણ થતાં યુવકનો ભાંડો ફૂટયો : આ અંગે બાળકીની દાદીને જાણ થતાં યુવક વિરુદ્ધ માંડવી પોલીસ મથકમાં ઇપીકો કલમ 376(એબી), 376(2)(એન), 354 તેમજ પોકસો એક્ટની કલમ 4,6,8,10 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે નિકુંજની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બારડોલી કોર્ટનો ચૂકાદો : દરમ્યાન આ કેસ બારડોલી કોર્ટ - બારડોલીની અધિક જિલ્લા સત્ર ન્યાયાલયમાં ચાલી જતાં સરકારી વકીલ નીલેશ એચ.પટેલ અને એ.પી.વસોયાની દલીલ સાંભળી તથા રજૂ કરેલ પુરાવાઓને ધ્યાને લઈ આરોપી સામેનો બળાત્કાર ગુનો પુરવાર થયો હતો. આથી બારડોલીના આઠમા એડિશનલ સેશન્સ જજ એસ.એસ.સેઠીએ આરોપી નિકુંજ ઉર્ફે ભલો જાગેશ ચૌધરીને વીસ વર્ષની કેદની સજા ફરમાવતો હુકમ કર્યો હતો.