સુરત: ટેક્સટાઇલ સિટી સુરતમાં દરરોજ અઢી કરોડ મિટર કાપડનું ઉત્પાદન થતું હતું, પરંતુ જીએસટી બાદ આ ઉત્પાદનમાં ઘટાડો થઇ રહ્યો છે. કોરોના કાળને લીધે હાલ પ્રતિદિન 50 લાખ મીટર કાપડનું ઉત્પાદન થઇ રહ્યું છે. વર્તમાનમાં મોટા ઓર્ડર અને બજારમાં કાપડની ડિમાન્ડ વધતા ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ સૌથી મોટી સમસ્યા શ્રમિકોની અછતની પડી રહી છે.
કોરોના કાળ અને લોકડાઉનમાં લાખોની સંખ્યામાં શ્રમિકો પોતાના વતન જતા રહ્યા હતા. અત્યાર સુધી મોટાભાગના શ્રમિકો પરત આવ્યા નથી. આ શ્રમિકો ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના છે. જો કે, ઉત્તરપ્રદેશ અને બિહારની ટ્રેન હોવાના કારણે ઘણા શ્રમિકો આ રાજ્યોથી સુરતમાં આવી પહોંચ્યા છે. પરંતુ અત્યાર સુધી ઓડિશાથી સુરત માટે એક પણ ટ્રેન નથી. જેથી વિવિંગ ઇન્ડસ્ટ્રીમાં 90 ટકા ઓડિશાના શ્રમિકો કાર્યરત હોવાથી વિવર્સ એસોસિએશને આ શ્રમિકોને પરત બોલાવવાની માગ કરી છે. ટેક્સટાઇલ ઉદ્યોગ મરણ પથારીએ પડેલા છે, જેથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ રાજ્ય સરકારને પત્ર લખીને કેન્દ્ર સરકારને રજૂઆત કરવા અનુરોધ કરી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાની માગણી કરવામાં આવી છે.
- સુરત ઉદ્યોગપતિઓએ રેલવે પ્રધાનને પત્ર લખી ઓડિશાથી શ્રમિક ટ્રેનો શરૂ કરવાની માગ કરી
- કોરોના કાળમાં પ્રતિ દિવસ 50 લાખ મીટર કાપડનું જ ઉત્પાદન
- ઉદ્યોગોમાં શ્રમિકોની અછત
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, સુરત ટેક્સટાઈલ ઉદ્યોગમાં શ્રમિકોની અછત સર્જાઈ છે. સ્પેશિયલ ટ્રેન શરૂ કરવા માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને રજૂઆત કરતી હોય છે, આ માટે ચેમ્બર તરફથી રાજ્ય સરકારને લેખિતમાં અનુરોધ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારને આ સ્પેશિયલ ટ્રેન ચલાવવા માટે રજૂઆત કરે. આ ટ્રેનનો ખર્ચ વેપારીઓ આપશે. સાથે ઓડિશાના ચેમ્બર ઓફ કોમર્સની સાથે વાત થઇ છે. તેમણે જણાવ્યું હતું કે, ઓડિશામાં પણ સુરતથી ગયેલા શ્રમિકોની આર્થિક સ્થિતિ સારી નથી. જેથી તેઓ પણ આ ટ્રેનનો ચલાવવાના પક્ષમાં છે.
પાંડેસરા વિવર્સ કો ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, વિવિંગ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે માત્ર 20 થી 30 ટકાનો ઉત્પાદન થઈ રહ્યું છે. જ્યારે અન્ય શહેરોમાં ઉત્પાદનનો આંકડો 50 ટકાથી વધારે છે. અત્યારે શ્રમિકો સમયસર સુરત નહીં આવે તો આ ઇન્ડસ્ટ્રી અન્ય શહેરોમાં ખસેડાઈ શકે તેવી સંભાવનાઓ છે. આ ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગે ઓડિશાના શ્રમિકો કામ કરતા હોય છે, પરંતુ ઓડિશાથી સુરત આવવા માટે અત્યારે એક પણ ટ્રેન ન હોવાથી શ્રમિકો આવી શકે તેવી સ્થિતિ હાલમાં નથી. બજારમાં માગ વધતા રેલવે મંત્રાલયને પત્ર લખી ટ્રેન શરૂ કરવાની માગ કરવામાં આવી છે.